Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલ-ડિઝલમાં લીટરે રૂ. ૪ ઘટયાઃ હજુ વધુ ઘટવાના એંધાણ

બ્રેન્ટ ક્રુડ ૧૩ મહિનાના નીચલા સ્તરે

નવી દિલ્હી, તા. ૨૮ :. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાન્યુઆરીના મધ્યથી અત્યાર સુધીમાં પ્રતિ લીટર ચાર રૂપિયાનો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ ગુરૂવારે વધુ ૨.૭૦ ટકા ઘટીને ૧૩ મહિનાના તળિયે પહોંચી જવાથી દેશમાં ઈંધણ વધારે સસ્તુ થવાની શકયતા છે. ગુરૂવારે બ્રેન્ટ ક્રુડનો ભાવ પર ડોલર પ્રતિ બેરલ હતો. કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર વધુ મોટો ફટકો પડશે અને ઓઈલની ડિમાન્ડ ઘટશે એવી ધારણાથી ક્રૂડમાં નરમાઈ છે. નાયમેકસ ક્રૂડ પણ ૨.૮૭ ટકા ઘટીને ૪૭.૩૩ ડોલર પ્રતિ બેરલ થયું હતું. જાન્યુઆરીના મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂ. ૩.૭૧ અને ડીઝલમાં રૂ. ૪.૪૧નો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૭૧.૯૬ અને ડીઝલનો ભાવ રૂ. ૬૪.૬૫ હતો.

સરકારી ઈંધણ રિટેલર્સ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવની ૧૫ દિવસની મૂવિંગ એવરેજને ધ્યાનમાં રાખીને તથા ડોલરના ભાવને ધ્યાનમાં લઈને પેટ્રોલ અને ડીઝલનો વેચાણ ભાવ નક્કી કરે છે. ઈંધણના ભાવમાં મોટા ભાગે ક્રૂડ ઓઈલની ચાલને અનુસરવામાં આવે છે. છેલ્લા આઠ દિવસમાં ક્રૂડ તેલમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે કારણ કે ઘણા દેશોએ પોતાને ત્યાં કોરોના વાયરસના કેસ નોંધાયા હોવાનું જણાવ્યુ છે. ચાલુ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં ઓઈલમાં લગભગ ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે.

એસ એન્ડ પી ગ્લોબલ પ્લેટસ એનાલિટિકસે રિપોર્ટમાં જણાવ્યું કે 'અમે જાણીએ છીએ કે ફેબ્રુઆરી મહિનામાં મહામંદી પછી માંગમાં સૌથી વધારે ઘટાડો નોંધાશે. અમે એ પણ જાણીએ છીએ કે વૈશ્વિક ઉડ્ડયન સેકટરને એશિયામાં સૌથી વધારે ફટકો પડશે. આ ઉપરાંત સારામાં સારી સ્થિતિમાં વી-શેપ રિકવરી હવે પ્રાપ્ત થાય તેમ નથી કારણ કે ચીનમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્થિતિ સામાન્ય થઈ ન હતી. અમને લાગે છે કે ચીનમાં સ્થિતિ સામાન્ય થવામાં હજુ એક મહિનો લાગશે.

(11:37 am IST)