Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગ્રાહકોને લાગશે ઝાટકો

ડેટા ટેરિફ સાત-આઠ ગણા વધારવા છે વોડાફોન-આઇડિયાનેઃ દરો વધારી દેવું ભરવું છે

નવી દિલ્હી, તા.૨૮: જો તમે વોડાફોન-આઈડિયાનું કાર્ડ યુઝ કરો છો તો લાગી શકે છે ઝટકો. વોડા આઈડિયાએ મોબાઈલ ડેટા માટે ન્યૂનતમ ૩૫ રૂપિયા પ્રતિ જીબી દર નક્કી કરવાની માગણી કરી છે. જે હાલના દર કરતા સાતથી આઠ ગણા વધારે છે. કંપનીએ તેની સાથે એક નિર્ધારિત માસિક ચાર્જ સાથે કોલ સેવાઓને છ પૈસા પ્રતિ મિનિટના દર નક્કી કરવાની પણ માગણી કરી છે.

કંપનીએ કહ્યું કે તેમણે AGRની બાકી રકમ ચૂકવવા માટે તથા બિઝનેસને ચલાવવા યોગ્ય બનાવવા માટે પહેલી એપ્રિલથી નવા દર લાગુ કરવા જોઈએ. સૂત્રોનું કહેવું છે કે, કંપનીએ AGRની બાકી રકમની ચૂકવણી માટે વધુ સમયની માંગણી કરી છે. આ સાથે કંપનીએ કહ્યું કે તેને વ્યાજ અને દંડની રકમની ચૂકવી માટે ૩ વર્ષની રાહત મળવી જોઈએ.

હાઈકોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઈડિયા ઉપર ૫૩ હજાર કરોડ રૂપિયાના AGR બાકી છે. કંપનીએ અત્યાર સુધીમાં માત્ર ૩૫૦૦ કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, 'વોડાફોન આઈડિયાએ માર્કેટમાં રહેવા માટે સરકાર સામે અનેક માંગણીઓ મૂકી છે. કંપની ઈચ્છે છે કે એક એપ્રિલ ૨૦૨૦થી મોબાઈલ ડેટા ચાર્જ ન્યૂનતમ ૩૫ રૂપિયા પ્રતિ જીબી તથા ન્યૂનતમ ૫૦ રૂપિયા માસિક કનેકશન ચાર્જ નક્કી કરે. આ માંગણીઓ સરકાર માન્ય રાખે તેવી ઓછી શકયતા છે.'

સૂત્રોના જણાવ્યા અનુસાર કોલ સેવા માટે ન્યૂનતમ છ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ નક્કી કરવા જોઈએ. કંપની આ માંગણી એવા સમયે કરી છે જયારે તેઓ છેલ્લા ૩ મહિનાની અંદર મોબાઈલ સેવાના દરોમાં ૫૦ ટકાનો વધારો કરી ચૂકી છે. સૂત્રોનું કહેવું છે, 'મોબાઈલ કોલ અને ડેટાના ચાર્જ વધારવાથી કંપનીની આવકમાં વધારો થશે.'

(9:52 am IST)