Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

૨૮૦૦ થી વધુ લોકોના મોતઃ ૮૨૦૦૦ ભરડામાં

૫૦ દેશોમાં ફેલાયો કોરોના વાયરસ

નવી દિલ્હી, તા.૨૮: ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વૈશ્વિક રોગચાળો બની ચૂકયો છે. અત્યાર સુધીમાં વિશ્વના ૫૦ દેશો આ રોગચાળાથી ઝપટમાં આવી ગયાં છે અને દુનિયાભરમાં ૨૮૦૪ લોકોના મોત થયાં છે. વિશ્વ આરોગ્ય સંગઠને હજુ સુધી આ રોગચાળાને સત્ત્।ાવાર રીતે વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો નથી. દુનિયાભરમાં ૮૨,૦૦૦ કરતાં પણ વધારે લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે તો એસ્ટોનિયા, ડેનમાર્ક અને જયાર્જિયામાં તો કોરોનાના કેસો સામે આવ્યાં છે. બ્રિટનમાં પણ નવા બે કેસો સામે આવ્યાં છે. જાપાનની સાથે, નોર્થ કોરિયાએ પણ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

હોંગકોંગના રોગચાળાના નિષ્ણાંત ડોકટરો એવું જણાવી રહ્યાં છે કે જો કોરોના વાઈરસને કાબૂમાં ન લેવાયો તો તે વિશ્વની ૬૦ ટકા વસતીને ચેપ લાગી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ જણાવ્યું કે કોરોના વાઈરસના તાજેતરના કેસો તો પાશેરમાં પહેલી પૂણી છે, મોતનો વાસ્તવિક આંકડો તો દ્યણો વધારે હોઈ શકે છે.

ચીનથી અન્ય દેશમાં જતા રહેલાં કેટલાક લોકોનું કહેવું છે કે, ચીનમાં લાખો લોકો કોરોનાને કારણે પીડાઈ રહ્યા છે. હજારો લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલોમાં ૫૦,૦૦૦થી વધુ મૃતદેહો પડયા છે જેને ભેદી રીતે દાટવામાં આવી રહ્યા છે અને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સેટેલાઈટ ઈમેજ દ્વારા દેખાય છે કે, અનેક કબ્રસ્તાનોમાં લોકો સાતેય દિવસ અને ૨૪ કલાક કામ કરી રહ્યા છે જેથી ડેડબોડીનો નિકાલ કરી શકાય. આ સ્થિતિ વધારે રહી અને ચીને યોગ્ય પગલાં ન લીધા તો સમગ્ર વિશ્વમાં આ મહામારી ફેલાશે.

કોરોનાના ડરને કારણે સાઉદી સરકારે પવિત્ર સ્થળો મક્કા અને કાબામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પશ્ચિમ એશિયામાં કોરોના વાઈરસના ૨૪૦ કરતાં પણ વધારે કેસો સામે આવતાં આ પગલું ભરાયું છે. તે ઉપરાંત મદીનામાં મોહમ્મદ પયગંબરની મસ્જિદ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

અમેરિકી આરોગ્ય અધિકારીઓએ એવું જણાવ્યું કે નેબ્રાસ્કાની હોસ્પિટલમાં દાખલ કોરોના વાઈરસના દર્દીઓ પર રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એક-બે વર્ષમાં તેના પરિણામ મળે તેની સંભાવના છે. અમેરિકી દર્દી પર પરીક્ષણ કરાયું છે . આ દર્દી ચીનના વુહાનમાંથી અમેરિકા આવ્યો હતો. ઈબોલાની સારવાર માટે બનાવવામાં આવેલી રેમડેસિવીર નામની રસીની કલીનિકલ ટ્રાયલ શરૂ કરાઈ છે. અમેરિકામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૬૦ ને પાર પહોંચી છે. બીજી તરફ પાકિસ્તાન અને બ્રાઝીલમાં પણ કોરોના વામઈરસના પહેલા કેસો સામે આવ્યાં છે.

આખા જાપાનમાં શાળાઓ બંધ, કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે જાપાને રાષ્ટ્રવ્યાપી શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શિંજો આબેએ એવું પણ જણાવ્યું કે માર્ચના અંત સુધી શરૂ થતી વસંતુ ઋતુ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે.

ચીનમાં કોરોનો વાઈરસને કારણે અત્યાર સુધી ૨૭૪૪ લોકોના મોત થયાં છે. બુધવારે ૨૯ લોકોના મોત થયા હતા. રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું કે ૨૯ જાન્યુઆરી બાદ પહેલી વાર એવું થયું છે કે જયારે આ રોગચાળાને કારણ એક દિવસમાં ઓછા લોકોના મોત થયા છે.

દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધી ૧૩ લોકોના મોત થયા છે. દક્ષિણી શહેરમાં એક ધાર્મિક સંપ્રદાયમાંથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી કોરોના વાઇરસને કારણે બે દર્દીઓનાં મોતની પુષ્ટિ કરી જેની સાથે મૃતકોની સંખ્યા વધીને ૧૩ થઈ છે.

ઈટાલીમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ૨૦૦ને પાર કરી ગયો છે. ઇટાલીમાં કોરોના વાઇરસથી મોતને ભેટનાર લોકોની સંખ્યા ૧૪ થઈ છે. ઇરાનમાં કોરોના વાઇરસના કારણે છ લોકોનાં મોત થયાં હતાં.

કયાં કેટલા મોત

દ. કોરિયાઃ૧૩, ઈટાલીમાં:૧૪, ઈરાનઃ૨૬, જાપાનઃ૦૪, હોંગકોંગઃ૦૨, તાઈવાનઃ૦૧, ફ્રાન્સઃ૦૨, ફિલિપાઈન્સઃ ૦

(9:51 am IST)