Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ત્રાસવાદીઓને રક્ષણ મળશે તો ફરી કઠોર એક્શન લેવાશે

પાકિસ્તાનના જુઠ્ઠાણાનો ત્રણેય સેના દ્વારા પર્દાફાશ : પાકિસ્તાને એક પછી એક ખોટા નિવેદનો કર્યા : પાકિસ્તાને એફ-૧૬નો ઉપયોગ કર્યો : મિસાઇલના ટુકડા દર્શાવાયા

નવી દિલ્હી, તા. ૨૮ :  પડોશી દેશ પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારતની ત્રણેય સેનાઓએ આજે સાંજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો દુનિયાની સામે પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ત્રણેય સેનાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, અમારી લડાઈ આતંકવાદ સામે છે અને જો પાકિસ્તાન ત્રાસવાદીઓની સામે હજુ કાર્યવાહી નહીં કરે અને સંરક્ષણ આપશે તો ભારત જવાબી કાર્યવાહી જારી રાખશે. પાકિસ્તાનની ખોટી બાબતોને સ્પષ્ટરીતે રજૂ કરવામાં આવી હતી. ભારતીય હવાઈ દળ તરફથી એરવાઈસ માર્શલ આરજીકે કપૂરે વિસ્તારપૂર્વક પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૨૭મી ફેબ્રુઆરીના દિવસે સવારે ૧૦ વાગે એરફોર્સના રડાર ઉપર પાકિસ્તાનના કેટલાક જેટ આવતા નજરે પડ્યા હતા. ત્યારબાદ હવાઈ દળના યુદ્ધવિમાન મિરાજ, સુખોઈ અને મિગ-૨૧એ તેમનો સામમનો કર્યો હતો. એરફોર્સે તેમના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ફુંકી મારવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન એક મિગ-૨૧ તુટી પડ્યું હતું અને ભારતીય પાયલોટે પાકિસ્તાને કબજામાં લઇ લીધો હતો. પાકિસ્તાને પહેલા બે પાયલોટો અને બે વિમાનને તોડી પાડવાની વાત કરી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેના દ્વારા ખુલ્લામાં બોંબ ઝીંકવામાં આવ્યા હતા જ્યારે ભારતીય હવાઈ દળે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પાકિસ્તાની જેટના ટાર્ગેટ ઉપર ભારતીય સૈન્ય સ્થળો હતો. એરવાઈસ માર્શલે કહ્યું હતું કે, પાકિસ્તાનના જેટ વિમાનો લશ્કરી સ્થલોને ટાર્ગેટ બનાવ્યા હતા. આર્મી સંકુલમાં પાકિસ્તાને બોંબ ઝીંક્યા હતા જો કે, આમા કોઇ નુકસાન થયું ન હતું. પાકિસ્તાન  કહી રહ્યું છે કે, સમગ્ર એક્શનમાં તેના દ્વારા એફ-૧૬ વિમાનનો ઉપયોગ કરાયો નથી પરંતુ એરવાઇસ માર્શલ કપૂરે એફ-૧૬થી ઝીંકવામાં આવેલી એ મિસાઇલની ટુકડા દર્શાવ્યા હતા જે ભારતીય ક્ષેત્રમાં મળ્યા છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની પાસે માત્ર એક વિમાન છે જે એરોમ મિસાઇલ લઇને ઉડી શકે છે. આનો મતલબ એ થયો કે, પાકિસ્તાને એફ-૧૬નો ઉપયોગ કર્યો છે. ઇલેક્ટ્રોનિક સિગ્નેચર પણ આની સાથે મેચ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મિડિયામાં જે વિમાનનો કાટમાળ દર્શાવવામાં આવ્યો છે તે મિગ-૨૧નો નહીં બલ્કે એફ-૧૬નો કાટમાળ છે. આઈએએફ દ્વારા ઝીંકવામાં આવેલી એરોન મિસાઇલના ટુકડા દર્શાવવામાં આવ્યા હતા. મિસાઇલના ટુકડા રાજૌરીમાં મળી આવ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં એરવાઇસ માર્શલે કહ્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન દ્વારા છોડવાની વાત કરવામાં આવી છે જે ખુશીની વાત છે. બીજી બાજુ સેનાએ કહ્યું હતું કે, બે દિવસના પાકિસ્તાન દ્વારા ૩૫ વખત યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે. તેના તરફથી મેજર જનરલ સુરેન્દ્રસિંહ મહેલે કહ્યું હતું કે, પાકિસ્તાની એરફોર્સના વિમાનોએ ૨૭મી ફેબ્રુઆરીએ બ્રિગેડ હેડક્વાર્ટર, બટાલિયન મુખ્યાલય અને અન્ય સ્થળોના ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અમારી સેના સજ્જ હતી અને હુમલા નિષ્ફળ કરાયા હતા. નેવીથી રિટાયર્ડ અડમિરલ ડીએસ ગુજરાલે કહ્યું હતું કે, નેવી દરેક રીતે તૈયાર છે. પાકિસ્તાન દરિયામાં કોઇ હરકત કરશે તો યોગ્ય જવાબ અપાશે. આર્મી, એરફોર્સની સાથે સેના સંપૂર્ણપણે સજ્જ છે.

 

(9:31 pm IST)