Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અંકુશરેખા પર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર હજુ જારી

ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાયોઃ સતત ત્રીજા દિવસે સવારથી ગોળીબાર શરૂ કરાયા બાદ મોડી સાંજ સુધી ગોળીબાર : લોકોને ઘરમાં રહેવા સૂચના

નવી દિલ્હી,તા. ૨૮ : પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં પૂંચ અને રાજૌરીમાં અંકુશરેખા ઉપર જોરદાર ગોળીબાર આજે સતત ત્રીજા દિવસે પણ કર્યો હતો. સતત ત્રીજા દિવસે યુદ્ધવિરામનો ભંગ કરીને નાના અને મોટા હથિયારો સાથે ગોળીબાર કરવામાં આવ્યો હતો. વારંવાર યુદ્ધવિરામના ભંગ બાદ ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો. પૂંચના સુંદરબાની, ખાડીકરમારા, દેગવાર સેક્ટરમાં ગોળીબાર કરવામાં આયો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગોળીબારના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આજે સવારથી જ ગોળીબાર શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રહ્યો હતો. નૌશેરા અને કૃષ્ણાઘાટી સેક્ટરમાં પણ ગોળીબાર કરાયો હતો. સંરક્ષણ પીઆરઓના કહેવા મુજબ પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી રાજૌરી અને પૂંચ જિલ્લામાં અંકુશરેખાથી પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે. ગોળીબાર દરમિયાન પોતાના ઘરમાં રહેવા ગામવાળાઓને ભારતીય સેનાએ સૂચના આપી છે. તોપમારા વચ્ચે બહાર ન ફરવા લોકોને કહેવામાં આવ્યું છે. પાકિસ્તાને ૨૦૧૮માં ૨૯૯૬ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ વર્ષે પણ અવિરત યુદ્ધવિરામનો ભંગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા ત્રણ દિવસ ૨૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વિસ્ફોટક સ્તરે પહોંચી ગયા છે ત્યારે જમ્મુકાશ્મીરમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્કુલોને પણ બંધ રાખવા માટેના આદેશ તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં તમામ જગ્યાએ ભારે સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. યુદ્ધ જેવી સ્થિતી હાલમાં પ્રવર્તી રહી છે. લોકોમાં દહેશત પણ છે. પાકિસ્તાની સૈના દ્વારા નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.ભારતીય સેનાએ સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટી કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, ભારતના જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.  પાકિસ્તાની જવાનોના મોત પણ થયા છે. અંકુશ રેખા ઉપર પાકિસ્તાને ૧૫થી ૨૦ સ્થળો ઉપર ગોળીબાર કર્યો હતો. માનવ શિલ્ડ તરીકે ગામવાળાઓનો ઉપયોગ કરીને નાગરિક આવાસો ઉપરથી આ ગોળીબાર કરાયો હતો. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના સૈનિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો ઝીંકી હતી. રાજોરી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આજે ત્રીજા દિવસે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરહદી વિસ્તારોમાં હાલમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ ધાર્મિક સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ગતિવિધી પર નજર છે.

(7:42 pm IST)