Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારત-પાક ઝઘડાનો અંત ઢુકડોઃ અમેરિકાની મધ્યસ્થીઃ ટ્રમ્પનો ધડાકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સદીઓથી ચાલતા વિવાદનો હવે અંત નજીક છેઃ બન્ને દેશો તરફથી સારા સમાચાર મળવાની આશા : બન્ને દેશો વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ જવાની શકયતાઃ મારી પાસે ભારત અને પાકિસ્તાનથી એક સારા સમાચાર આવ્યા છેઃ અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનથી જબરી ઉત્તેજના

વોશિંગ્ટન, તા. ૨૮ :. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી એક મોટુ નિવેદન આવ્યુ છે. જૈશના આતંકી કેમ્પ પર ભારતીય વાયુદળની કાર્યવાહી બાદ ભારત અને પાકના સંબંધો વણસી ગયા છે એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ છે કે ટૂંક સમયમાં જ સારા સમાચાર આવવાના છે. ઉત્તર કોરીયાના નેતા કીમ ઝોંગ સાથેની શીખર વાર્તા દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ પર સારા સમાચાર છે અને આશા છે કે, સંઘર્ષ સમાપ્ત થઈ જશે.

ટ્રમ્પે જણાવ્યુ છે કે, મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનથી સારા સમાચાર આવશે. આશા છે કે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલ ટેન્શન સમાપ્ત થઈ જશે. વીયેટનામના   હનોઈમાં ટ્ર્મ્પે કહ્યુ હતુ કે બન્ને દેશો વચ્ચે અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યુ છે અને મને લાગે છે કે બન્ને દેશ તરફથી એક આકર્ષક સમાચાર આવી રહ્યા છે. બન્ને દેશોમાં છેલ્લા ઘણા સમયથી તનાવ જારી છે. અમે આ મામલાને ઉકેલવામા મધ્યસ્થી કરી રહ્યા છે અને અમને સારા સમાચારો મળી રહ્યા છે. અમને આશા છે કે સદીઓથી ચાલી રહેલ ટેન્શન હવે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.

માનવામા આવે છે કે, પત્રકાર પરિષદમાં  ટ્રમ્પની આ ટીપ્પણીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટી જાય તેવી શકયતા છે. અમેરિકા સતત બન્ને દેશોને અપીલ કરી રહ્યુ છે કે બન્ને દેશ સંયમથી વર્તે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પીયો સાથે વાતચીત કરી હતી અને અમેરિકાએ ભારતને સમર્થન આપ્યુ હતું.(૨-૨૮)

(3:14 pm IST)