Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મુકેશ અંબાણી વિશ્વના ૮માં સૌથી શ્રીમંત વ્યકિત

ગ્લોબલ રિચ લિસ્ટમાં ચમકયા : પહેલીવાર ટોપ-૧૦માં : ૫૪ અબજ ડોલરનું છે નેટવર્થ

નવી દિલ્હી તા. ૨૮ : હુરૂન દ્વારા જારી કરાયેલા ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને મુકેશ અંબાણીએ ૫૪ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ૧૦ શ્રીમંતોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

વિશ્વભરના શ્રીમંત લોકોની હુરુન રિચ લિસ્ટ ૨૦૧૯માં એમેઝોનના ચીફ જેફ બેઝોસ સતત બીજા વર્ષે સૌથી ટોચના ક્રમે સ્થાન જાળવી રાખ્યું હતું, જયારે મુકેશ અંબાણીએ રિલાયન્સ શેરની તેજીને કારણે આ યાદીમાં આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુગલના સીઈઓ સર્જેઈ બ્રિન સાથે મુકેશ અંબાણી સંયુકત રીતે આઠમા ક્રમાંકે છે.

વૈશ્વિક અબજપતિઓની યાદીમાં માઇક્રોસોફટના સંસ્થાપક બિલ ગેટ્સ ૯૬ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. ૮૮ અબજ ડોલરની સંપત્તિ સાથે બર્કશાયર હૈથવેના સીઈઓ વોરન બફેટ ત્રીજા ક્રમાંકે, ૮૬ અબજ ડોલરની સંપત્તિ સાથે એલવીએમએમએચના બેનાર્ડ આર્નોલ્ટ ચોથા અને ૮૦ અબજ ડોલરની સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પાંચમા ક્રમાંકે છે. આ ઉપરાંત ગત વર્ષે આ યાદીમાં સ્થાન પામેલા ૪૩૦ અબજપતિઓ આ વર્ષે યાદીમાં સ્થાન મેળવી શકયા નથી.

પાછલા સપ્તાહે સુપ્રીમ કોર્ટની અવમાનના દોષિત અનિલ અંબાણીની સંપત્તિમાં પાંચ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. તેમની સંપત્તિ સાત અબજ ડોલરથી ઘટીને ૧.૯ અબજ ડોલર રહી ગઈ છે. બંને ભાઈઓને વારસામાં એકસરખો હિસ્સો મળ્યો હતો. હુરુનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પારિવારિક સંપત્તિની વહેંચણી પછી મુકેશ અબાણીએ પાછલા સાત વર્ષોમાં પોતાની સંપત્ત્િ।માં ૩૦ અબજ ડોલર (રૂ.૨.૧૪ લાખ કરોડ)નો વધારો થયો, જયારે અનિલ અંબાણીએ આ દરમિયાન પાંચ અબજ ડોલર (રૂ. ૩૫,૬૮૭.૫ કરોડ) ગુમાવ્યા હતા.

વૈશ્વિક શ્રીમંતોની ૨૦૧૯ના લિસ્ટમાં શ્રીમંતોની સંખ્યા ઘટીને ૨,૪૭૦ થઈ ગઈ છે, એમાં ૨૨૪નો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૮માં આ લિસ્ટમાં ૨,૬૯૪ લોકો સામેલ છે. આ ૨,૪૭૦ લોકોની કુલ સંપત્તિ ૯.૫ લાખ કરોડ થઈ હતી. જે વિશ્વની કુલ જીડીપીનો ૧૨ ટકા હિસ્સો છે.

ભારતીય અબજપતિઓના લિસ્ટમાં ૨૧ અબજ ડોલરની સંપત્તિની સાથે હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસપી હિન્દુજા બીજા ક્રમાંકે છે, ૧૭ અબજ ડોલરની સંપત્તિ સાથે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ત્રીજા ક્રમાંકે, સાયરસ એસ. પુનાવાલા ૧૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા ક્રમાંકે, આર્સેલર મિત્તલ પાંચમા, કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક છઠ્ઠા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સાતમા અને સન ફાર્માના દિલીપ સંઘવી આઠમા ક્રમાંકે છે.

સાયરસ પાલનજી મિસ્ત્રી અને શાપુરજી પાલનજી મિસ્ત્રી કમશઃ નવમાં, દસમા ક્રમાંકે છે. મહિલા અબજપતિઓની યાદીમાં ગોદરેજ ગ્રુપની ત્રીજી પેઢી સ્મિતા કૃષ્ણા પહેલા ક્રમાંકે છે. તેમની સંપત્તિ ૬.૧ અબજ ડોલર છે. બાયોકોનની કિરણ મજુમદારની સંપત્તિ ૩.૫ અબજ ડોલર છે.(૨૧.૭)

(11:55 am IST)