Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારત - પાકિસ્તાન મિલિટ્રી એકશન અટકાવે : અમેરિકા

ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને કહ્યું કે, પોતાની ધરતી પર હજુ પણ મોજુદ આતંકીઓનો ખાતમો કરે

વોશિંગટન તા. ૨૮ : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખતા બુધવારે અમેરિકાએ સલાહ આપી છે કે દક્ષિણ એશિયાનાં પડોશીઓ પોતાની મિલીટ્રી એકશનને અટકાવો. મહત્વનું છે કે ૧૪મી ફેબ્રુઆરીનાં રોજ પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ હુમલો કરીને ૪૦ જવાનોનાં મોત નીપજાવ્યાં હતાં. જે પછી પાકિસ્તાનમાં રહેતા જૈશ એ મહોમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને જણાવ્યું છે કે પોતાની ધરતી પર હજુ પણ મોજુદ આતંકીઓનો ખાતમો કરે. આ નિવેદન તે સમયે આવ્યું છે જયારે પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે ટ્રમ્પ પ્રશાસન હવાઇ હુમલા બદલ ભારત વિરૂધ્ધ નિવેદન કરશે. પરંતુ પાકિસ્તાનની આ આશા પર પાણી ફરી વળ્યું છે. આ અગાઉ પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહંમદ કુરેશીએ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ મુદ્દે વાત પણ કરી હતી. તેમણે પણ પાકનાં વિદેશ મંત્રીને કડક શબ્દોમાં સમજાવ્યાં હતાં.

પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાનના અહેવાલ અનુસાર કુરેશીએ પોમ્પિયો સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત પોતાનો રાજકીય હેતુ સાધવા અને ચૂંટણી માટે દક્ષિણ એશિયાની શાંતિને ખતરામાં મૂકી રહ્યું છે.(૨૧.૧૧)

(11:53 am IST)