Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આતંક અને પાક ઉપર હવે થશે ડબલ એટેક

ડોભાલે અમેરિકી વિદેશમંત્રી સાથે વાત કરીઃ અમેરિકાનું ભારતને સંપૂર્ણ સમર્થનઃ સુષ્મા સ્વરાજ સાઉદી અરેબીયા રવાનાઃ પાકને બેનકાબ કરશે

નવી દિલ્હી, તા. ૨૮ :. પાકિસ્તાને હવે સમજી લેવંુ જોઈએ કે આગ સાથે રમત રમે છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે રાત્રે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીયો સાથે વાતચીત કરી હતી. ડોભાલે કહ્યુ છે કે, ભારત પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદ વિરૂદ્ધ કડકાઈથી કુટનીતિક અને સૈન્ય એકશન લેવા માટે તૈયાર છે. જેના પર અમેરિકી વિદેશ મંત્રીએ ભારતનું સમર્થન કર્યુ છે અને કહ્યુ છે કે અમે તમારી સાથે છીએ.

ડોભાલે અમેરિકી વિદેશમંત્રીને ભારત દ્વારા પાકમાં ઘુસીની જૈશના અડ્ડાઓ ઉપર કરાયેલ હુમલાની વિગતો આપી હતી. અમેરિકાએ ભારતને ટેકો આપ્યો છે અને કહ્યુ છે કે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે.

ભારતની એર સ્ટ્રાઈકથી ગભરાયેલા પાકિસ્તાન ઉપર હવે કુટનીતિક માર પડયો છે. ભારતે કુટનિતીક માર્ગથી પાક પર પ્રેસર લાવ્યુ છે અને તેને ઉઘાડુ પાડયુ છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાઉદી અરેબીયા ગયા છે જ્યાં તેઓ પાકિસ્તાનના આતંકી હિસાબ-કિતાબને જણાવશે અને ભારતની તરફેણમાં તેને લાવશે.

એટલુ જ નહિ દુનિયાભરમાં મોજુદ ભારતીય રાજદૂતને ભારતે નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાના સ્થાનો પરથી પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરે.

(11:45 am IST)