Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કરાંચીમાં કટોકટી જાહેરઃ રાતભર પ્લેન ઉડયાઃ બ્લેકઆઉટ

ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારીમાં : પાક મીડિયાનો દાવો : ઠેર ઠેર ગોઠવાઇ સુરક્ષાઃ ભારતીય નૌકાદળ કરાંચી તરફ રવાના થયાના અહેવાલો : કરાંચી ખતરામાં : પત્રકારનો ધડાકો

કરાંચી તા. ૨૮ : ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ચરમસીમા પર છે. વડાપ્રધાન મોદીએ બુધવારે જળ, વાયુ અને ભૂમિ સેનાના ચીફ સાથે લાંબી મીટીંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ત્રણ સેનાના ચીફ સાથેની મીટીંગ પછી વડાપ્રધાને તેમને નિર્ણય લેવાની પુરી છુટ આપી દીધી છે. આ દરમિયાન સોશ્યલ મીડીયા અને પાક મીડીયામાં ગઇકાલે હલચલ મચી રહી હતી. જાત જાતની વાતો કહેવાઇ રહી હતી.

પાકિસ્તાનના એક પત્રકારે ટવીટર પર લખ્યું, 'કરાંચી ખતરામાં, કેટલાય વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવાયું, જેમાં સેના પ્રતિષ્ઠાન અને નિવાસસ્થાન શામેલ છે, જેમાં માલિર કેન્ટ, પીએએફ ફૈસલ બેઝ અને પીએનએસ પરસાઝ શામેલ છે. પાકિસ્તાનની વાયુ સેનાએ સિંધના દરિયાઇ અને રણના બેલ્ટ પર સાવધતા જાળવી રાખી છે.'

પાકિસ્તાનનો દાવો છે કે, પાકિસ્તાન અને ભારત વચ્ચેની તંગદિલીને જોતા કરાંચીમાં પ્રશાસને કટોકટી લાગુ કરી દીધી છે. સારા સમન્વય માટે સિંધમાં કંટ્રોલ રૂમ પણ ઉભો કરાયો છે. ભારતના ગુજરાતના રાજકોટ હવાઇ ક્ષેત્રમાં ઘણી બધી સૈનિક ગતિવિધિઓ થઇ રહી છે.

આ પહેલા પાકિસ્તાન સિવિલ એવીએશન ઓથોરીટી (CAA) એ નવા આદેશ સુધી પાકિસ્તાનમાં બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફલાઇટો રદ્દ કરી દીધી છે.

પાકિસ્તાનના બાલાકોટમાં મંગળવારે ભારતીય વિમાનોએ આતંકવાદી અડ્ડાઓનો સફાયો કર્યો હતો. જેના જવાબમાં બુધવારે સવારે લગભગ ૧૧ વાગ્યે રાજૌરીના નૌશેરા સેકટરમાં ત્રણ પાકિસ્તાની વિમાનોએ એલઓસીમાં ઘુસણખોરીની કોશિષ કરી. પાકિસ્તાની વિમાનો એલઓસીની નજીક લગભગ ૩ થી ૪ કિલોમીટર અંદર ઘુસી આવ્યા હતા પણ તે કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ તૈયાર થઇને બેઠેલા ભારતીય વિમાનોએ તેમને ઘેરી લીધા.

મિગ-૨૧ અને સુખો વિમાનોની ઘેરાબંધી જોઇને પાકિસ્તાની વિમાનો ભાગવા લાગ્યા, પણ એક પાકિસ્તાની વિમાન મિગ-૨૧ના નિશાનથી બચી ન શકયું અને એલઓસીની પેલી બાજુ પીઓકેમાં ઢગલો થઇ ગયું. આ કાર્યવાહીમાં ભારતને પણ નુકસાન થયું હતું. ભારતનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું અને તેના વિંગ કમાન્ડરને પાકિસ્તાને બંધક બનાવી લીધો હતો.(૨૧.૬)

 

(11:43 am IST)