Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જો યુદ્ધ થાય તો

ભિખારી તો છે પણ ભૂખે મરશે પાકિસ્તાન

કંગાળ બની જશે પાડોશી દેશઃ અર્થતંત્રનો ભુક્કો થઇ જશેઃ વિદેશી મુદ્રા ભંડાર ૧૮ અબજ ડોલરનું જ છેઃ ભારત પાસે ૪૦૦ અબજ ડોલર છે

નવી દિલ્હી તા.ર૮: આતંકવાદને ઉછેરી રહેલા પાકિસ્તાને જો યુદ્ધ શરૂ કર્યું તો તેની આર્થિક વ્યવસ્થા ડામાડોળ થઇ જશે. વિદેશી મદદથી ગુજારો કરી રહેલું પાકિસ્તાન કંગાળ થઇ જશે. તેને જરૂરી ચીજવસ્તુઓ આયાત કરવા માટે વિદેશી મુદ્રાના ફાંફા પડી જશે. બીજીબાજુ ભારતીય અર્થ વ્યવસ્થા મજબૂત આધાર સ્તંભના સહારે કોઇ પણ સ્થિતિનો સામનો કરી શકે તેમ છે. ભારતીય અર્થ વ્યવસ્થા દરેક બાબતે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કરતા કેટલાય ગણી સુદ્રઢ છે.

સીઆઇએ ફેકટ બુક અનુસાર, પીપીપી આધાર પર ૨૦૧૭માં ભારતનો જીડીપી ૯.૪૭ લાખ કરોડ ડોલર છે જયારે પાકિસ્તાનનો ફકત ૧ લાખ કરોડ ડોલર છે. આમ ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાન કરતા ૯ ગણી વધારે છે. આ ઉપરાંત ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર પણ પાકિસ્તાનની સરખામણીમાં ઘણો વધારે છે. ૨૦૧૭માં તેનો વિકાસદર ફકત છ ટકા હતો.

પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં રોકાણનો દર પણ માત્ર ૧૫ ટકા આસપાસ છે, જયારે ભારતમાં આ આંકડો ૩૦ ટકાની આજુબાજુ છે.

આજ રીતે ભારતનો મુદ્રા ભંડાર ૪૦૦ અબજ ડોલર છે જે પાકિસ્તાન પાસે ખાલી ૧૮ અજબ ડોલર છે. આમ ભારત પાસે તેના કરતા ૨૦ ગણાથી પણ વધારે વિદેશી મુદ્રા ભંડાર છે.

મુખ્ય વાત એ છે કે પાકિસ્તાનની પાસે વિદેશી મુદ્રા ભેગી કરવા માટેનો કોઇ કાયમી સ્ત્રોત પણ નથી. પાકિસ્તાન આખા વર્ષ દરમ્યાન ૩૨ અબજ ડોલરની નિકાસ કરે છે જયારે ભારતની નિકાસ ૩૦૦ અબજ ડોલરથી પણ વધારે છે. ભારતનો વ્યકિતદીઠ જીડીપી ૭૨૦૦ ડોલરની સામે પાકિસ્તાનનો ૫૪૦૦ ડોલર છે.

શિક્ષણ અને આરોગ્ય જેવી સામાજીક સુવિધાઓના મામલે પણ ભારતનો ખર્ચ પાકિસ્તાનના મુકાબલે ઘણો વધારે છે. ભારત આરોગ્ય સેવાઓ માટે જીડીપીના ૪.૭ ટકા, જયારે પાકિસ્તાન પોતાના જીડીપીના ૨.૬ ટકા જ ખર્ચે છે.

પાકિસ્તાન પોતાનો ગુજારો વિદેશી મદદથી કરે છે. જો કે હમણા હમણા અમેરિકાએ પાકિસ્તાનને મદદમાં કાપ મુકયો છે. જાણકારોનું માનવું છે કે જે રીતે ભારતે પાકિસ્તાનને કુટનૈતિક રીતે અલગ થલગ કરવાનું અભિયાન છેડયું છે તેના લીધે આગામી સમયમાં તેના માટે આર્થિક મુશ્કેલીઓ વધવાની છે.

પાકિસ્તાનની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે, જયારે સૌથી આયાત ચીનમાંથી થાય છે. એટલે ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હચમચી શકે છે.

(11:42 am IST)