Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ઉત્તર ભારતમાં વિમાની સેવા ફરીથી શરૂ : સ્થિતિ સામાન્ય

થોડાક સમય માટે સવારમાં સેવા બંધ કરાઈ હતી : પાકિસ્તાની યુદ્ધ વિમાન ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા બાદ સેવા રોકવામાં આવી હતી : એરપોર્ટ હજુ પણ હાઈએલર્ટ પર

નવી દિલ્હી, તા. ૨૭ : પાકિસ્તાનના કેટલાક યુદ્ધવિમાનો આજે સવારે ભારતીય એરસ્પેશમાં ઘુસી ગયા બાદ સાવચેતીના પગલારુપે અનેક એરપોર્ટથી વિમાની સેવા બંધ કરવામાં આવી હતી જો કે, મોડેથી બીજીસીએ દ્વારા તમામ એરપોર્ટથી વિમાની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર ભારતમાં ઓપરેશન ફરી શરૂ થઇ ગયું છે. બપોરે ૩ વાગ્યાની આસપાસ આ સેવા ફરી શરૂ થઇ હતી. સવારમાં નોટિસ ટુ એરમેન જારી કરીને ફ્લાઇટ સેવા બંધ કરવામાં આવી હતી. દિલ્હી એટીસી દ્વારા નોટિસ ટુ એરમેન જારી કરવામાં આવી હતી જેમાં અમૃતસર, પઠાણકો, શ્રીનગર, જમ્મુ, લેહ, સિમલા, કાંગરા, કુલ્લુમાં વિમાની સેવા રોકવા કહેવામાં આવ્યું હતું. જો કે, ત્રણ વાગે આ ઓપરેશનની પરિસ્થિતિ ફરી સામાન્ય કરી દેવામાં આવી હતી. જમ્મુ, લેહ, શ્રીનગર  એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને આજે બંધ કરવાની ફરજ પડી હતી. બીજીસીએ દ્વારા હવે નોટમને રદ કરીને ફ્લાઇટ ઓપરેશન શરૂ કરી દીધું છે. નોટમ હેઠળ કેટલાક સમય માટે પાયલોટોને સુરક્ષા આપવા અન્ય કારણસર એલર્ટ રાખવામાં આવે છે. આના લીધે વિમાની સેવાને રોકવામાં આવે છે. આજે સવારે ભારતના હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાની વિમાન આવ્યા બાદ પાકિસ્તાની સરહદની નજીક અનેક મોટા વિમાની મથકો ઉપર ફ્લાઇટ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. જો કે, મોડેથી આને ફરી શરૂ કરવામાં આવી હતી. અમૃતસર, પઠાણકોટ અને સિમલામાં પણ વિમાની સેવા બંધ કરાઈ હતી. પાકિસ્તાનમાં પણ જવાબી કાર્યવાહીરુપે અનેક સેવાઓ બંધ કરવામાં આવી હતી પરંતુ હવે ભારતમાં વિમાની સેવા સામાન્ય બનાવી દેવામાં આવી ચે. ભારતના તમામ ફોરવર્ડ એરબેઝ હાઈએલર્ટ ઉપર છે. ભારતીય વાયુ સેનાને દુશ્મનોના વિમાનને જોતા જ તોડી પાડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભારતે ગઇકાલે જોરદાર હવાઇ હુમલા કર્યા હતા જેમાં ૩૦૦થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા. સુરક્ષાના કારણોસર આજે એરસ્પેશને બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. પુલવામામાં હુમલા બાદ ભારતે ગઇકાલે પોકમાં જવાબી કાર્યવાહી કરી હતી. દેશભરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. જો કે, જમ્મુ કાશ્મીરના એરસ્પેશને હજુ પણ બંધ રખાયું છે. પાકિસ્તાનની તમામ ફ્લાઇટો બંધ કરવામાં આવી છે. બેઠકોના દોર વચ્ચે પગલા લેવાઈ રહ્યા છે.

 

(12:00 am IST)