Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ન્યુઝીલેન્ડે 21 રને જીત સાથે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી: . કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેટલાક મોટા નિર્ણયો લેવા પડશે

સતત બે મેચ જીતીને કીવી ટીમ સિરીઝમાં અજેય લીડ બનાવવાની નજીક

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં કારમી હાર મળી છે. પ્રથમ બેટિંગ કરતા પ્રવાસી ટીમે 6 વિકેટે 176 રન બનાવ્યા હતા અને ત્યારબાદ ભારતીય ટીમને માત્ર 155 રન પર જ રોકી દીધી હતી. ન્યુઝીલેન્ડે 21 રને જીત સાથે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ એક દિવસ પછી જ થવાની છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેટલાક મોટા નિર્ણયો લેવા પડશે પરંતુ તેના માટે સમય ઘણો ઓછો છે.

ત્રણ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ હવે ટ્રોફી મેળવવા માટે ભારત માટે બીજી મેચ જીતવી જરૂરી છે. રોહિત શર્માની કપ્તાનીમાં વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડની જે હાલત કરી તેવી જ હાલત હાલમાં ભારતની દેખાઇ રહી છે. સતત બે મેચ જીતીને કીવી ટીમ સિરીઝમાં અજેય લીડ બનાવવાની નજીક છે. હાર્દિકે કોચ રાહુલ દ્રવિડ સાથે મળીને વધુ સારું આયોજન કરવું પડશે. પ્રથમ મેચની ભૂલોને સુધારવી પડશે.

હાર્દિકે મહત્ત્વનો નિર્ણય લેવો પડશે

ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતની બોલિંગ અંતમાં ઘણી નબળી રહી હતી અને રનની લૂંટને કારણે ટીમની સામે મોટો ટાર્ગેટ આવી ગયો હતો. મેચ બાદ હાર્દિકે પોતે સ્વીકાર્યું હતું કે ભારતીય બોલરોએ 20થી 25 રન વેડફ્યા હતા. ઓપનરોએ જે રીતે બેટિંગ ક્રમમાં પ્રદર્શન કર્યું અને તે પછી નીચલા ક્રમમાં ખોટા સમયે વિકેટ ગુમાવી, આને ટાળવું પડશે. ઇશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી અને હાર્દિક પંડ્યાએ મોટી ઇનિંગ્સ રમવી પડશે.

ટીમ ઈન્ડિયા 24 કલાકમાં ફરી મેદાનમાં ઉતરશે

પ્રથમ ટી-20 મેચ રમ્યા બાદ ભારતીય ટીમ એક દિવસના 24 કલાકના આરામ બાદ ફરી મેદાનમાં ઉતરશે. શુક્રવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. રવિવારે સાંજે સાત વાગ્યે બંને ટીમો બીજી મેચ માટે લખનૌમાં રમશે. ટીમ ઈન્ડિયા માટે શનિવારનો દિવસ તે મુજબ પ્લાનિંગ અને પ્રેક્ટિસ કરવાનો છે.

(7:57 pm IST)