Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

હિંડનબર્ગ રિસર્સ રિપોર્ટ આવ્યા બાદ અદાણીની સંપત્તિમાં અંબાણીના મુકાબલે વધુ ઘટાડો થયો: બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા પ્રમાણે દુનિયાના ધનીકોની યાદીમાં 92.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સાતમાં નંબરે પહોંચી ગયા

હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદ તેમની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

નવી દિલ્હીઃ 2023 ભારત અને એશિયાના બે સૌથી ધનીક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. બંને દિગ્ગજ કારોબારીઓની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગ રિસર્સ રિપોર્ટ આવ્યા બાદ અદાણીની સંપત્તિમાં અંબાણીના મુકાબલે વધુ ઘટાડો થયો છે.

ગૌતમ અદાણી હજુ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે, પરંતુ હવે તેમની સંપત્તિ ઘટીને 100 અબજ ડોલરથી નીચે આવી ગઈ છે.

અદાણીની સંપત્તિમાં 27.9 અબજનો ઘટાડો

બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા પ્રમાણે દુનિયાના ધનીકોની યાદીમાં 92.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સાતમાં નંબરે પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 20.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને 2023માં અત્યાર સુધી તેમને 27.9 અબજ ડોલરનું નુકસાન થઈ ગયું છે.

નોંધનીય છે કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદ તેમની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કાલના કારોબારી સત્રમાં અદાણી ટ્રાન્સમિશન 20 ટકા, અદાણી ગ્રીન એનર્જી 20 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને એસઈઝેડ 15.24 ટકા, અદાણી પાવર 5 ટકા અને અદાણી વિલ્મરમાં 5 ટકાનો ઘટાડો થયો હતો.

અંબાણી ટોપ-10માંથી થયા બહાર

મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિ 1.52 અબજ ડોલર અને 2023માં અત્યાર સુધી 5.77 અબજ ડોલર ઘટી છે. હાલ દુનિયાના ધનવાનોની યાદીમાં 81.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 13માં સ્થાને છે.

વિશ્વના ટોપ પાંચ ધનીક

બર્નાર્ડ અરનોલ્ટ- 190 અબજ ડોલર

એલન મસ્ક- 167 અબજ ડોલક

જેફ બેઝોસ- 126 અબજ ડોલર

બિલ ગેટ્સ- 112 અબજ ડોલર

વોરેન બફેટ- 108 અબજ ડોલર

(7:53 pm IST)