Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કૈરોની નજીક પ્રાચીન મકબરામાંથી ૪૩૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું

ઈજિપ્તમાં અઢળક ઈતિહાસ છુપાયેલ છે : પુરાતત્વવિદો અને ઈતિહાસકારોને આ મમીની મદદથી પ્રાચીન ઈજિપ્તનો ઈતિહાસ વધુ વિગતવાર જાણવામાં મદદ મળશે

કૈરો , તા.૨૮ : ઈજિપ્ત એક એવો દેશ છે, જ્યાં ન અઢળક ઈતિહાસ છુપાયેલો છે, જેની કલ્પના પણ ન થઈ શકે. આ કારણોસર, ઇજિપ્તના જુદા જુદા ભાગોમાં પુરાતત્વવિદોની શોધ આજે પણ ચાલુ છે. તાજેતરમાં, પુરાતત્વવિદોની ટીમે રાજધાની કૈરોની નજીક એક પ્રાચીન મકબરો શોધી કાઢ્યો હતો, જેની અંદરથી ૪૩૦૦ વર્ષ જૂની સચવાયેલી મમી મળી આવી છે. ઈજિપ્તમાં શોધાયેલ આ સૌથી જૂની મમી હોઈ શકે છે. પુરાતત્વવિદો અને ઈતિહાસકારોને આ મમીની મદદથી પ્રાચીન ઈજિપ્તનો ઈતિહાસ વધુ વિગતવાર જાણવામાં મદદ મળશે.શોધ કરી રહેલા પુરાતત્વવિદોની ટીમના લીડર જાહી હવાસે જણાવ્યું કે જે મમી મળી છે તે હેકાશીપ્સ નામના વ્યક્તિની છે. આ મમીને પથ્થરથી બનેલા કોફીનની અંદર દફનાવવામાં આવી હશે, ત્યારબાદ ચૂનાના એક લેયરથી તેને સીલ કરાઈ હશે. સક્કારામાં જે મકબરાની અંદરથી આ મમી મળી આવી છે તે પાંચમા અને છઠ્ઠા સામ્રાજ્ય સાથે સંબંધ ધરાવે છે.

આ શોધમાં પુરાતત્વવિદોની ટીમનું નેતૃત્વ કરી રહેલા ઈજિપ્તના ભૂતપૂર્વ મંત્રી હવાસે વધુમાં કહ્યું કે આ મમી ઈજિપ્તમાં અત્યાર સુધી શોધાયેલી સૌથી પ્રાચીન હોઈ શકે છે. સાથે જ ખાસ વાત એ છે કે આ મમી કોફીનની અંદર લગભગ સંપૂર્ણ મળી આવી છે, જ્યારે જૂની શોધોમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. તાજેતરમાં જ એક ૨૩૦૦ વર્ષ જૂની મમી મળી આવી હતી.

(7:41 pm IST)