Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગુલામીની માનસિકતાથી બહાર આવીએ અને દેશ માટેના આપણા કર્તવ્યો યાદ રાખીએઃ વડાપ્રધાન મોદી

ભગવાન દેવનારાયણની ૧૧૧૧મી જયંતી સમારોહમાં મોદી સામેલ થયા : ભારત ફક્ત એક ભૂભાગ નથી પણ આપણી સભ્યતાની, સંસ્કૃતિની, સદભાવનાની, સંભાવનાની એક અભિવ્યક્તિ છે

નવી દિલ્હી, તા.૨૮ : રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણની ૧૧૧૧મી જયંતિ સમારોહમાં પીએમ મોદી સામેલ થયા હતા. આ અવસરે પીએમએ કહ્યું કે અહીં કોઈ પીએમ નથી આવ્યો, હું મારા ભક્તિભાવથી એક યાત્રી તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું. હાલ મને યજ્ઞશાળામાં પૂર્ણ આહુતિ આપવાનો સૌભાગ્ય મળ્યો છે જે મારા માટે આ સૌભાગ્યનો મામલો છે કે મારી જેવી સામાન્ય વ્યક્તિને આજે તમારી વચ્ચે આવીને ભગવાન દેવનારાયણને આશીર્વાદ લેવાનું પુણ્ય મળ્યું.

તેની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારત ફક્ત એક ભૂભાગ નથી પણ આપણી સભ્યતાની, સંસ્કૃતિની, સદભાવનાની, સંભાવનાની એક અભિવ્યક્તિ છે. દુનિયાની અનેક સભ્યતાઓ સમયની સાથે સમાપ્ત થઈ ગઈ, પરિવર્તનો સાથે ખુદને ઢાળી ન શકી. ભારતને પણ ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રીતે તોડવાના ઘણા પ્રયાસો થયા પણ ભારતને કોઈ તાકાત સમાપ્ત ન કરી શકી.

ગત ૮-૯ વર્ષોથી દેશ સમાજના દરેક એ વર્ગને સશક્ત કરવા પ્રયાસ કરી રહ્યો છે જે ઉપેક્ષિત રહ્યો છે, વંચિત રહ્યો છે. ભગવાન દેવનારાયણે જે રસ્તો બતાવ્યો છે તે સૌના સાથ સૌના વિકાસનો જ છે. આજે દેશ એ જ માર્ગે ચાલી રહ્યો છે. ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણો પર ચાલવા આગ્રહ કર્યો હતો. ઉદ્દેશ્ય એ જ છે કે આપણે બધા આપણા વારસા પર ગર્વ કરીએ. ગુલામીની માનસિકતાથી બહાર આવીએ અને દેશ માટેના આપણા કર્તવ્યો યાદ રાખીએ.

(7:37 pm IST)