Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મધ્યપ્રદેશમાં બે લડાકુ વિમાન ક્રેશ : ૧ પાયલોટનું મોત

તપાસના આદેશ અપાયા : હવામાં ક્રેશ થતા એક મોરેના જીલ્લામાં અને બીજું ભરતપુર જિલ્લામાં પડયુ

નવી દિલ્હી તા. ૨૮ : વિમાન દુર્ઘટનાથી દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફટ સુખોઈ-૩૦ અને મિરાજ-૨૦૦૦ અચાનક હવામાં ક્રેશ થઈ ગયા. બે વિમાનમાંથી એક મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં અને બીજું રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પડ્યું હતું. બંને વિમાન બળીને રાખ થઈ ગયા હતા. મુરેનાના પહાડગઢમાં સુખોઈ ક્રેશ થયું, જેના ઘાયલ પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ભરતપુરના પિંગોરા ગામમાં પડેલા મિરાજના પાયલોટનું મોત થયું છે.મુરેના જિલ્લામાં સુખોઈ-૩૦ અને મિરાજ-૨૦૦૦ એરક્રાફટ દુર્ઘટનાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. જાણવા મળ્યું છે કે આ બંને એરક્રાફટ સવારે લગભગ ૯.૧૫ વાગ્યે ગ્વાલિયર એરબેઝથી ટેકઓફ થયા હતા. ૫૦ કિમી કવર કર્યા બાદ વિમાનમાં હવામાં આગ લાગી અને મોરેનાના પહાડગઢ જંગલમાં પડી ગયું. આ અકસ્માતમાં પાયલોટ પોતાને બચાવવામાં સફળ રહ્યો હતો.

મોરેના કલેકટર અંકિત અસ્થાનાએ જણાવ્યું કે વિમાનના બંને પાયલટને બચાવી લેવામાં આવ્યા છે. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.તે જ સમયે, મોરેના એસપી આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે, વાયુસેના તરફથી મળેલી માહિતી અનુસાર, એક વિમાનમાં ૨ પાયલટ હતા અને બીજામાં માત્ર એક પાયલટ હતો. બે પાઈલટ સુરક્ષિત મળી આવ્યા છે જયારે અન્ય વિમાનના એક પાઈલટના શરીરના ભાગો મળી આવ્યા છે. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં પણ એક વિમાનના કેટલાક ભાગો પડી ગયા છે.ત્ખ્જ્એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફટ આજે સવારે ગ્વાલિયર પાસે ક્રેશ થયા હતા. વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. તેમાં સામેલ ૩ પાઇલોટમાંથી એકે જીવ ગુમાવ્યો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.બીજી તરફ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગોરા ગામ પાસે આગના ગોળામાં અન્ય એક ફાઈટર પ્લેન જમીન પર પડ્યું હતું. જિલ્લા કલેકટર આલોક રંજને જણાવ્યું કે ગ્વાલિયર યુનિટ પાસે ભારતીય વાયુસેનાનું એક વિમાન છે. હાલમાં મળતી માહિતી મુજબ પાઇલોટ બહાર નીકળી ગયા હતા. તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

(3:14 pm IST)