Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં ભારે વરસાદ અને પૂરઃ બેના મોતઃ ઈમરજન્‍સી જાહેર

નવી દિલ્‍હીઃતા.૨૮: ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં ભારે પૂર અને વરસાદને કારણે ઈમરજન્‍સી જાહેર કરવામાં આવી છે. આકાશમાંથી પડી રહેલા વરસાદને કારણે ઓકલેન્‍ડના રસ્‍તાઓ મહાસાગર બની ગયા છે. પૂરએ રસ્‍તાઓ પર કબજો જમાવ્‍યો છે. ઠેર-ઠેર વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ઓકલેન્‍ડ એરપોર્ટ પણ પાણીથી ભરેલું છે. રનવે કેટલાય ફૂટ પાણીમાં ડૂબી ગયો છે. વિમાનોની અવરજવર ઠપ્‍પ થઈ ગઈ છે. આ પૂરની સ્‍થિતિને જોતા ઓકલેન્‍ડમાં ઈમરજન્‍સી જાહેર કરવી પડી છે.

 ઓકલેન્‍ડમાં મુશળધાર વરસાદને કારણે બે લોકોના મોત થયા હોવાનું અને બે ગુમ થયાની પોલીસે આજે શનિવારે પુષ્ટિ કરી છે.પોલીસે જણાવ્‍યું હતું કે ઉત્તરીય ઉપનગરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં પૂરના પાણીમાં બે પુરૂષોના મળતદેહ મળી આવ્‍યા હતા.

ઓકલેન્‍ડની દક્ષિણે પૂર એક વ્‍યક્‍તિને તાણી ગયેલ અને શહેરના કેન્‍દ્રમાં ભૂસ્‍ખલનને કારણે એક ઘરમાંથી અન્‍ય એક વ્‍યક્‍તિ ગુમ છે.નવા વડા પ્રધાન ક્રિસ હિપકિન્‍સે પૂરગ્રસ્‍ત વિસ્‍તાર અંગે સંવેદના વ્‍યક્‍ત કરી સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

(3:02 pm IST)