Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ફુગાવો, આર્થિક વૃધ્‍ધિ અને ચલણના સંદર્ભે વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાના માઠા દિવસો વીતી ગયા

શક્‍તિકાંત દાસે ગંભીર નહિ પરંતુ સામાન્‍ય મંદીની આશંકા વ્‍યકત કરી : જોકે ઉંચા વ્‍યાજદરો લાંબા સમય સુધી રહેવાના એંધાણ

નવી દિલ્‍હી તા. ૨૮ : આરબીઆઇના ગવર્નર શક્‍તિકાંત દાસે કહ્યું કે વર્ષ ૨૦૨૩માં વિશ્વભરની આર્થિક વૃદ્ધિમાં ઘટાડાનીઆશંકા છે. પરંતુ વિકાસ અને ફુગાવો બન્નેના સંદર્ભમાં વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાનોખરાબ સમય હવે પાછળ છૂટી ગયો છે.

દુબઈમાં એફઆઇએમએમડીએ-પીડીએઆઈના ૨૨માં વાર્ષિક સંમેલનમાં દાસે કહ્યું થોડા મહિના પહેલા વૃધ્‍ધિના સંદર્ભમાં ભારે અને વધુ વ્‍યાપક મંદીની આશંકા વિકટ કરવામાં આવી રહી હતી પરંતુ હવે નાની મંદીની વાત કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના હાલના વૈશ્વિક આર્થિક અંદાજ મુજબ,૨૦૨૩માં વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાનો વૃધ્‍ધિ દર ૨.૭ ટકા રહેશે. જે ૨૦૨૨માં ૩.૨ ટકા હતો. આરબીઆઇએ ડિસેમ્‍બરમાં કહ્યુ હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃધ્‍ધિ દર ૬.૮ ટકા રહેશે.

દાસે ભારતીય અર્થવ્‍યવસ્‍થાની સંભાવના અંગે આશા રાખીને  કહ્યું કે પડકારપૂર્ણ અને અનિશ્ચિતતા ભરેલા વૈશ્વિક માહોલ વચ્‍ચે દેશી અર્થવ્‍યવસ્‍થા મજબૂત બનેલી છે. તેઓએ કહ્યું કે નાણાકીય તંત્ર મજબૂત છે અને દેશી બેન્‍ક અને કંપનીઓ કોરોના પહેલાના સમયની સરખામણીએ સારી સ્‍થિતિમાં છે.

દાસે નવેમ્‍બર અને ડિસેમ્‍બરમાં દેશમાં મોંઘવારી ઓછી થવાનું સ્‍વીકાર્યું પરંતુ ચેતવણી આપી કે મુખ્‍ય ફુગાવો હજુ ઉચા સ્‍તરે છે. ઉપભોક્‍તા મૂલ્‍ય સૂચકાંક આધારિત ફુગાવો ડિસેમ્‍બરમાં ઘટીને ૫.૭૨ ટકા રહ્યો જે નવેમ્‍બરમાં ૫.૮૮ ટકા હતો.

(1:40 pm IST)