Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાષ્‍ટ્રીયકૃત બેંકોની હડતાળ પડતી મુકાઇ સોમ અને મંગળવારે બેંકો ખુલ્લી રહેશે

સરકાર દ્વારા આશ્‍વાસન આપવામાં આવતા યુનિયનોએ બંધનું એલાન પરત ખેંચ્‍યુ : યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા ૩૦ અને ૩૧ જાન્‍યુઆરીએ હડતાળનું એલાન કરાયુ હતુ

મુંબઇ, તા.૨૮: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા ૩૦ અને ૩૧ જાન્‍યુઆરીના રોજ બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્‍યું હતું. દેશભરની રાષ્‍ટ્રીયકળત બેંકો દ્વારા સમર્થન આપવામાં આવ્‍યુ હતું. જો કે શુક્રવારે ઇન્‍ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના પદાધિકારીઓ વચ્‍ચે ચર્ચા વિચારણા બાદ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. યુનિયનોએ બંધનું એલાન પરત ખેંચી લેતા હવે બેંકો ૩૦ અને ૩૧ જાન્‍યુઆરીના રોજ ચાલુ રહેશે.

સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ નવી પેન્‍શન યોજનાની જગ્‍યાએ જૂની પેન્‍શન યોજના ચાલુ રાખવા, બેંકોમાં સ્‍ટાફની ભરતી તેમજ ૧૯૮૬ના દ્વિપક્ષીય કરાર મુજબ કર્મચારીઓના પેન્‍શનમાં વધારો કરવા સહિતની માંગણીઓને લઇ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા ૩૦ અને ૩૧ જાન્‍યુઆરીના રોજ બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્‍યુ હતું.  ૩૦ અને ૩૧ જાન્‍યુઆરી પહેલા શનિવાર અને રવિવારની રજા હોવાથી સળંગ ચાર દિવસ સુધી બેંકોમાં રજા રહે તેવી પરિસ્‍થિતિ સર્જાઇ હતી.

બેકિંગ યુનિયનો દ્વારા હડતાળની ચીમકી બાદ શુક્રવારે મુંબઇમાં ઇન્‍ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના પદાધિકારીઓ વચ્‍ચે મીટિંગમાં ચર્ચા થઇ હતી. જેમાં તમામ મુદ્દાઓ પર યોગ્‍ય નિર્ણય લેવાશે તેવું આશ્વાસન મળ્‍યા બાદ બેંકોએ હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. બેંકિંગ યુનિયન સાથે જોડાયેલા   જણાવ્‍યું હતું કે બેંક યુનિયનોની તમામ માંગણીઓ પર ટૂંકમાં નિર્ણય લેવાશે તેવું આશ્વાસન મળતા ૩૦ અને ૩૧ જાન્‍યુઆરીની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.

(11:29 am IST)