Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સરકારે ધર્મના આધારે કદી ભેદભાવ રાખ્યો જ નથી : હિન્દુઓને મળતા બધા જ લાભો મુસ્લિમોને પણ મળ્યા : યોગીની સાફવાત

ચૂંટણીમાં ભાજપે મુસ્લિમોને શા માટે ટિકીટ નથી આપી ?મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ (સપા) ભલે દરેક બેઠક ઉપર મુસ્લિમ ઉમેદવારને ઉભા રાખે તેમને કોણ રોકી શકે તેમ છે ?

લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેમની સરકારે ધર્મના આધારે કદી ભેદભાવ રાખ્યો જ નથી.અને જે લાભો હિન્દુઓને તે જ લાભો મુસ્લિમોને પણ આપવામાં આવે છે. કાનુન વ્યવસ્થામાં થયેલા સુધારાથી બંને કોમોને ફાયદો થયો જ છે. જેમ હિન્દુઓની પુત્રીઓ સુરક્ષિત છે તેવી જ રીતે મુસ્લિમોની પણ પુત્રીઓ સુરક્ષિત છે.

યોગી આદિત્યનાથે આ સાથે તેમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી ૧૯% છે. છતાં કેટલીએ યોજનાઓમાં તેઓ ૩૫% જેટલો લાભ લઈ રહ્યા છે. હિન્દુઓ તેમના તહેવારો શાંતિથી અને આનંદપૂર્વક ઉજવે છે, તેવી જ રીતે મુસ્લિમો પણ તેમના તહેવારો શાંતિથી અને આનંદપૂર્વક ઉજવી શકે છે. હિન્દુ મહિલાઓને સુરક્ષા મળે છે તેવી જ સુરક્ષા મુસ્લિમ મહિલાઓને પણ મળે જ છે. જો હિન્દુ તહેવારોના દિવસે કરફ્યૂ નથી લાગતો તો મુસ્લિમ તહેવારોએ પણ કરફ્યૂ નથી લાગુ પડતો.

પત્રકારોએ જ્યારે આદિત્યનાથને પુછયું કે ઉ.પ્ર.ની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મુસ્લિમોને શા માટે ટિકીટ નથી આપી ? ત્યારે તેના ઉત્તરમાં રાજયના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ સમાજવાદી પાર્ટીનો આધાર લઈ જ શકે છે. તેઓ (સપા) ભલે દરેક બેઠક ઉપર મુસ્લિમ ઉમેદવારને ઉભા રાખે તેમને કોણ રોકી શકે તેમ છે ? ચૂંટણીની કેમીસ્ટ્રી વિશ્વાસ પર આધારિત હોય છે. તે મારા કહેવાથી કે મારા આપવા ઉપર આધારિત નથી હોતી. તેમની વસ્તી ૧૯% છે પરંતુ લાભ ૩૫ ટકા મળ્યા છે. અમે ૨ કરોડ ૬૧ લાખ શૌચાલય બનાવ્યા જે પૈકી ૩૫ ટકા લાભ મુસ્લિમ સમુદાયને મળ્યો છે. અમે ૧૫ કરોડ લોકોને રેશન આપીએ છીએ તેમાં ૫ કરોડ મુસ્લિમો છે. તેમાં ભેદભાવ રખાયો છે ? અમે ૯ કરોડ લોકોને ૫ લાખ રૂપિયાની વાર્ષિક સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન યોજનાનું કવરેજ આપ્યું છે, તેમાં ૩ કરોડ તો મુસ્લિમો છે. તેમની વસ્તી ૧૯ ટકા અને લાભ ૩૫ ટકા મળ્યા છે. છતાં કહે છે કે અન્યાય થયો છે. આથી મોટું અસત્ય શું હોઈ શકે ? મુસ્લિમ મહિલાઓને ત્રણ તીલ્લાકમાંથી મુક્તિ અપાઇ છે. તે ભાજપ સરકારે જ કર્યું છે.

આટલા બધાં વિવેચન છતાંએ પોતાનાં મંત્રી મંડળમાં એક પણ મુસ્લિમ નહીં રાખવાના પ્રશ્નનો ઉત્તર જ યોગી આદિત્યનાથે જુદી જુદી વાતો કરી રાળી-ટાળી નાખ્યો હતો. તેમ પણ નિરીક્ષકોનું કહેવું છે.

(10:37 pm IST)