Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મ.પ્રમાં ૧૦૦ પોલીસના રક્ષણમાં દલિતની જાન નીકળી

મંદિર સામેથી જાન નહીં કાઢવા માથાભારેની ધમકી : પોલીસના ડરથી માથાભારે તત્વો પલાયન કરી ગયા

ભોપાલ, તા.૨૭ : મંદિર સામેથી જાન નહીં કાઢવા માટે ગામના માથાભારે લોકોએ દલિત યુવાનને આપેલી ધમકી બાદ પોલીસે આ માથાભારે તત્વનો બરાબર પાઠ શીખવાડયો છે. મધ્યપ્રદેશના નિમચમાં બેલી ઘટનામાં દલિત યુવાનની જાન કાઢવા માટે પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવવી દીધો હતો અને ૧૦૦ પોલીસ જવાનોના રક્ષણ હેઠળ ડીજે સાથે ધામધૂમથી દલિત યુવાનની જાન પોલીસે કઢાવી હતી.

પોલીસના ડરથી માથાભારે તત્વો વિરોધ કરવાની જગ્યાએ પલાયન કરી ગયા હતા. દબંગો દ્વારા યુવાન રાહુલ સોલંકીને છેલ્લા કેટલાક દિવસોથી ધમકી અપાઈ રહી  હતી.જેના પગલે રાહુલ અને તેના પરિવારે પોલીસને પત્ર લખીને સુરક્ષા માંગી હતી.જેના પગલે લગ્નના એક દિવસ પહેલા મોટો પોલીસ કાફલો ગામમાં ઉતારી દેવાયો હતો.

વરરાજાની જાન નિકળે તે પહેલા પોલીસ દ્વારા ગામમાં ફ્લેગમાર્ચ પણ કરવામાં આવી હતી.જાનની સાથે સાથે પોલીસ કર્મીઓ પણ આખા રુટ પર ચાલતા રહ્યા હતા. દલિત વરરાજા રાહુલે કહ્યુ હતુ કે, સામાજિક ભેદભાવ હજી ખતમ નથી થયો અને તેના કારણે અમારે પોલીસની હાજરીમાં જાન કાઢવી પડે તે યોગ્ય નથી.તેનાથી સમાજમાં સારો સંદેશ નહીં જાય.સામાજિક ભેદભાવને ખતમ કરવો પડશે. ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દલિત યુવાનની ગાડીમાં તોડફોડ કરાવની ઘટના બની હતી.એ પછી તંત્રે નીમચમાં આવુ ના થાય તે માટે સતર્કતા દાખવી હતી.

(8:01 pm IST)