Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

દક્ષિણ આફ્રિકામાં મળ્યો નવો વાયરસ

કોરોનાનો નવો વાયરસ 'નિયો કોવ' સૌથી વધુ ખતરનાક છે : ૩ પૈકી ૧ દર્દીનું થાય છે મોત

વુહાનના વૈજ્ઞાનિકોની ચેતવણી

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના અંગે ચીનના વુહાન શહેરના વૈજ્ઞાનિકોએ હાલમાં એક ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે 'નિયો કોવ' નામના એક વધુ વાયરસે વિશ્વમાં દસ્તક દીધી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નવો કોરોના અત્યંત સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેનાથી ૩ માંથી ૧ સંક્રમિત વ્યકિતનું મોત થશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નવો કોરોના વાયરસ સાઉથ આફ્રીકામાં મળ્યો છે. રશિયાની ન્યુઝ એજન્સી સ્પૂતનિકના જણાવ્યા મુજબ કોરોનાનો આ નવો પ્રકાર ખૂબ જ સંક્રામક છે અને તેનાથી મૃત્યુદર ખૂબ જ વધુ છે.

જો કે, રિપોર્ટ અનુસાર NeoCov વાયરસ નવો નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૫માં પશ્ચિમ એશિયાના દેશોમાં સૌપ્રથમવાર તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. તે SARS-CoV-2 જેવું જ છે જે મનુષ્યમાં કોરોનાવાયરસ ચેપનું કારણ બને છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં આ NeoCoV વાયરસ ચામાચીડિયાની અંદર જોવા મળ્યો છે અને તે અત્યાર સુધી માત્ર પ્રાણીઓમાં જ જોવા મળ્યો છે.

BioRxiv વેબસાઈટમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે NeoCoV અને તેના ભાગીદાર PDF-2180-CoV મનુષ્યને ચેપ લગાવી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, આ નવા કોરોનાવાયરસને માનવ કોષોને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જરૂર છે. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નવા વાયરસને કારણે વધુ લોકોના મોત થઈ શકે છે.

રશિયાના વાઈરોલોજી અને બાયોટેકનોલોજી વિભાગે નિયોકોવ વિશે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં આ નવો કોરોનાવાયરસ માનવોમાં સક્રિય રીતે ફેલાવવામાં સક્ષમ નથી. અત્યારે સવાલ એ નથી કે આ નવો વાયરસ લોકોમાં ફેલાય છે કે નહીં, પરંતુ તેની સંભવિતતા અને જોખમની તપાસ કરવાનો છે.

આખી દુનિયા અત્યારે કોરોનાની ત્રીજી તરંગ, ઓમિક્રોન અને તેના સબ-વેરિઅન્ટ BA.2નો સામનો કરી રહી છે. ભારત સહિત ઘણા દેશોમાં BA.2 ના ઘણા કેસો સામે આવી રહ્યા છે. વિશ્વના લગભગ ૪૦ દેશોમાં તેની પુષ્ટિ થઈ છે. UKHSA અનુસાર, આ પ્રકાર ઓમિક્રોન કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેનમાર્કમાં પણ BA.2ના વધુ કેસો નોંધાયા છે. ડેનિશ સંશોધકોએ ચિંતા વ્યકત કરી છે કે આ નવો પ્રકાર ઓમિક્રોન રોગચાળાના બે અલગ-અલગ શિખરો તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં હવે ‘NeoCov’ એ લોકોની ચિંતા ઘણી વધારી દીધી છે.

(3:17 pm IST)