Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

તાલીબાનોમાં પશ્તુની-ગૈરપશ્તુની વચ્ચેનું ઘર્ષણ સામે આવ્યું: શું વિરોધીઓ માટે મોકો છે ?

તાલીબાનો નબળા પડે છે ત્યારે પાકિસ્તાનથી હજારો તાલીબાન લડાકુ અને સમર્થકોને અફઘાનિસ્તાન બોલાવે છે

કાબુલ, તા. ૨૮ :. અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત ફરયાબમાં હાલમાં જ પેદા થયેલી અશાંતિને દબાવવામાં તાલીબાનો સફળ રહ્યા છે, પરંતુ આ અસંતોષથી તાલીબાનોમાં અંદરોઅંદર મોજુદ જાતીય અને કબાયલી સમુહના મતભેદો ઉપર આવ્યા છે જેનો ફાયદો ઈસ્લામિક સ્ટેટના કટ્ટરવાદીઓ સાથે હમણા જ ગઠીત થયેલા તાલીબાન વિરોધી નેશનલ રેજીસ્ટન્સ ફોર્સ ઉઠાવી શકે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીના મધ્યમાં તાલીબાને જાણીતા ઉજબેક કમાન્ડર મખદુમ આલમને હીરાસતમાં લઈ લીધા હતા જેનાથી નારાજ થઈને ઉજબેક પ્રદર્શનકારીઓ અને ફરયાબ પ્રાંતના લડાકુઓ રાજધાની માયમાલાની સડકો ઉપર ઉતરી આવ્યા હતા. મખદુમએ ફરીયાદ, જોજુજાન અને સર એ પોલ જેવા ઉત્તરી પ્રાંતોમાં કેટલાય વર્ષો સુધી તાલીબાની દળોનું નેતૃત્વ કર્યુ હતુ. તાલીબાનોએ આ વિસ્તારોમાં પશ્તુનથી સેંકડો વધારાના સૈનિકોને લાવીને સ્થિતિ ઉપર કાબુ તો મેળવી લીધો પરંતુ તેના પહેલા બે દિવસ અરાજકતા ભર્યા રહ્યા. આ બે દિવસોમાં પશ્તુન લડવૈયાઓને નિહથ્થા કરી દેવાયા હતા. હિંસાના કારણે કેટલાય લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.

તાલીબાનએ સર એ પોલમાં પણ વિશેષ દળોના ૨૫૦૦ સદસ્યોને તૈનાત કર્યા હતા. આ પ્રાંતમાં આવી જ હિંસા અને હુમલા શરૂ થવાની અફવાઓ હતી.

ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં કાબુલ ઉપર કબ્જા બાદ તાલીબાનએ અફઘાનિસ્તાનમાં જે સત્તાનું ગઠન કર્યુ તેમા લગભગ બધા સદસ્ય પશ્તુન હતા. તાલીબાનના આ પગલાથી અફઘાનિસ્તાનના ઉત્તરી વિસ્તારોમાં મોજુદ પશ્તુન સિવાયના સહયોગીઓને નિરાશ કર્યા હતા. નારાજગીનુ કારણ હતુ કે તાલીબાનના ૮૫૦૦૦ લડવૈયાઓની સંખ્યામાં પાંચમો હિસ્સો ગૈરપશ્તુનોનો હતો અને વિતેલા વર્ષે ગરમીઓમાં ઉત્તરી ક્ષેત્રો ઉપર કબ્જો જમાવવામાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

અફઘાનિસ્તાનની વસ્તીમાં લગભગ ૪૦ ટકા પશ્તુન છે અને દક્ષિણમાં તેમની સંખ્યા વધુ છે. જ્યારે તાજીક અને ઉજબેક દેશમાં ઉત્તરી વિસ્તારમાં બહુ સંખ્યક છે.

તાલીબાન પ્રશાસન બારામાં હજુ સુધી એટલી જ જાણકારી હતી કે તેમા સામેલ પશ્તુનોના બે જુથોમાં મતભેદ છે. ખાસ કરીને પૂર્વ પશ્તુન (હક્કાની) અને તેમના દક્ષિણી પ્રતિદ્વંદી (કાંધારી) વચ્ચે. પરંતુ ફરીયાદ પ્રાંતમા જે અશાંતિ ફેલાય તેનાથી ઉત્તરી ક્ષેત્રમાં પણ તાલીબાન પ્રશાસનની કમજોરીઓ ઉજાગર થઈ.

મખદુમની ધરપકડ એ ઉજબેકોના મનમાં પશ્તુનોની સરખામણીમાં ભેદભાવની ભાવનાને બળ આપ્યુ. તાલીબાન એવુ સમજાવવાની કોશિષ કરતુ રહ્યુ કે આખરે તેમણે ઉજબેક કમાન્ડરને શા માટે પકડયો ? સ્થાનિક મિડીયાએ અપહરણ સહિત કેટલાય અસ્પષ્ટ આરોપોનો હવાલો દીધો પરંતુ આ બધા નિષ્ફળ રહ્યા.

આ મામલામાં જાણીતા યુ-ટયુબર રજાક મમુન આયોજીત એક ચર્ચામાં ઉજબેક લેકચરર તોરડીકલ મૈમાનગીએ કહ્યુ, 'તમે જોયુ કે તમામ પ્રદર્શનકારી પછી મહિલા હોય કે પુરૂષ, તાલીબાન સમર્થન ન હતા. જ્યારે કોઈ મુદ્દો જાતીય થઈ જાય છે તો વિચારધારા, પાર્ટીની માન્યતા અને વિશ્વાસ પ્રણાલી પોતાનું બળ ગુમાવી ચૂકે છે.'

તાલીબાનના અધિકારીઓ અને સમર્થકોએ આ અશાંતિને દબાવી અને તેની નિંદા કરી, પરંતુ મોટાભાગના અગ્રણી ઉજબેક અને તાજીક તાલીબાન કમાન્ડર અને અધિકારીઓએ આ મામલા ઉપર ચૂપ રહેવાનું પસંદ કર્યુ. માત્ર કેટલાક લોકોએ જોખેલી-તોલેલી પ્રતિક્રિયાઓ આપી.

એક વિડીયો મારફત ઉજબેક કમાન્ડરે કહ્યુ, 'મારા પ્યારા હમવતનીઓ... હું, કારી સલાહુદીન અયુબી, અત્યારે કાબુલમાં છું. મેં ફરયાબ પ્રાંતની યાત્રા કરી નથી અને મને ટાર્ગેટ બનાવી મારી નાખવામાં આવ્યા રીપોર્ટ પાયા વગરના છે. અફઘાનિસ્તાનનાં દુશ્મન લોકો વચ્ચે ડર ઉભો કરવાની કોશિષ કરી રહ્યા છે. હું દેશવાસીઓને ભરોસો અપાવુ છું કે કોઈ તકલીફ નથી, ઈસ્લામિક અમીરાત એક છે અને એક સાથે છે.'

આ પહેલા ઉત્તરી પ્રાંતમાં મોજુદ સૂત્રોના હવાલાથી 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'એ પોતાના સમાચારમાં દર્શાવ્યુ હતુ કે ફરયાબમાં મધ્યસ્થતા માટે જઈ રહેલા કારી સલાહુદીન અયુબી ઉપર બે વખત હુમલો કરવામાં આવ્યો. રીપોર્ટમાં એ પણ કહેવાયુ કે પશ્તુન તાલીબાનને ડર હતો કે અયુબી વિદ્રોહી જુથમાં સામેલ થઈ જશે. રીપોર્ટમાં એમ પણ કહેવાયુ કે તેનો એક બોડીગાર્ડ આ હુમલામાં માર્યો ગયો. મખદુમને હીરાસતમાં લેવાયા પછી એક અન્ય ગૈરપશ્તુન કમાન્ડર કારી વકીલને ગીરફતાર કરી લેવાયો હતો. હસ્ત એ સોભ અખબાર મુજબ કારી વકીલ જાતીય તાજીક સમુદાયમાથી છે.

ઉત્તરી ક્ષેત્રમાં સહયોગીઓને કમજોર કરવા માંગે છે તાલીબાન

તાલીબાન અવારનવાર પોતાના સશસ્ત્ર વિરોધીઓને જનતાની નજરમાં નીચા પાડવાના મકસદથી ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો, ચોર કે અપહરણકર્તા બની રજૂ કરે છે. ફરયાદ પ્રાંતમાં અશાંતિ ફેલાય તે પહેલા સોશ્યલ મીડીયા ઉપર જાણકારો ઉત્તરી પ્રાંતમાં તાલીબાનના પશ્તુન અને ગૈરપશ્તુન દળોમાં તણાવની ચર્ચાઓ કરતા રહ્યા છે. જો કે અફઘાનિસ્તાનનું મીડીયા તાલીબાન બદલો લેશે તેવા ડરથી આ મુજબની ટીપ્પણીઓ કરવાથી બચી રહ્યા હતા. જાણીતા માનીતા પત્રકાર તાજુદ્દીન સોરોશએ ૯ ડીસેમ્બરે ટ્વીટ કર્યુ, 'સૂત્રો જણાવી રહ્યા છે કે ફરયાબમાં ઉજબેકો અને પશ્તુનો વચ્ચે બે ફાડીયાને જોઈને તાલીબાનની બદ્રી બ્રિગેડએ મખદુમ આલમના ૭૦ જેટલા ઉજબેકીઓને ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધોના આરોપમાં કબ્જામાં લઈ લીધા. આ કારણે ઉત્તરી ક્ષેત્રમાં તાલીબાનના પૂર્વ કમાન્ડર (ઉજબેક) સલાહુદ્દીન અયુબી પાછા આવી ગયા છે.'

ફરયાબના પૂર્વ ગવર્નર નકીબુલ્લાહ ફાઈકએ કહ્યુ કે તાલીબાન ઉત્તરી ક્ષેત્રમાં કમાન્ડરોની વધતી તાકાતથી ચિંતિત છે અને આ માટે તેઓ અફઘાન સેનાએ ગયા વર્ષે જપ્ત કરવામાં આવેલા હથીયારો પાછા ન આપવા જેવા આરોપોના સહારે તેમને કમજોર કરવા ઈચ્છે છે.

ભવિષ્યમાં શું થઈ શકે ?

ભલે તાલીબાન પશ્ચિમી દેશોના સૈન્ય દળો ઉપર પોતાની જીતનો ઢંઢેરો પીટે કે એવુ દેખાડવાની કોશિષ કરે કે તેઓ કોઈપણ રીતે બગાવતનો મુકાબલો કરવા માટે તૈયાર છે, પરંતુ ફરયાબ પ્રાંતની અશાંતિ જાતીય અલ્પ સંખ્યકો વચ્ચે હયાત અસંતોષને સામે લઈ આવી છે. સાથોસાથ એવી પણ આશંકા છે કે આવનારા સમયમાં આ એવડોે મોટો મુદ્દો બની શકે છે કે, તાલીબાનના ભરોસાપાત્ર ગણાતા ગૈરપશ્તુન બીજી વિચારધારાવાળા જુથોમાં સામેલ થઈ શકે છે. આ મતભેદોનો ફાયદો અને સ્થાનિક અને વિદેશી વિરોધી તત્વો ઉઠાવી શકે છે.

અફઘાનિસ્તાન ઉપર તાલીબાનોના કબ્જા પછી આઈએસની સ્થાનિક શાખા ઈસ્લામિક સ્ટેટ ખુરાસન (આઈએસકેપી)એ પણ નાનામોટા હુમલાઓ વધારી દીધા છે. જ્યારે અહમદ મસુદની આગેવાનીવાળી નેશનલ રેજીસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફ)એ પણ હાલમાં જ પોતાની સૈનિક ગતિવિધિઓ વધારી છે. માનવામાં આવી રહ્યુ છે કે એનઆરએફ આવતા મહિનાઓમાં મોટી બગાવતની તૈયારીઓમાં પરોવાયુ છે. આવનારા ખતરાને જોઈને તાલીબાનોએ હીજ્બ ઉત-તહરીર અને જમીયત એ ઈસ્લાહ જેવા વિરોધી મૌલવીઓ અને સમુહો ઉપર નાનીમોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ લોકોની તાજીકો અને ઉજબેકો વચ્ચે કેટલુક સમર્થન પણ મળ્યુ છે. જો કે આ બન્ને સમુહ સશસ્ત્ર ગતિવિધિઓને અંજામ આપવા માટે નથી ઓળખાતા પરંતુ તાલીબાન તેમને આઈએએસ માટે લડવૈયાઓની ભરતી કરવાવાળા જુથો તરીકે જોવે છે.

આ વચ્ચે ઓછામાં ઓછા સેંકડોની સંખ્યામાં ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈજબેકિસ્તાન (આઈએમયુ) અને અન્ય મધ્ય એશીયાઈ કટ્ટરપંથી ઉત્તરી ક્ષેત્રમાં શાંત છે. આ લડવૈયાઓના છેલ્લા ઘણા વર્ષોથી તાલીબાનો સાથે સંબંધ ખરાબ ચાલી રહ્યા છે. આઈએમયુ સાથે તાલીબાનોના સંબંધોમાં ૨૦૧૫થી ખટાશ ત્યારે આવી જ્યારે આ સમુહે આઈએસ તરફે નિષ્ઠા બતાવી. ડીસેમ્બર મહિનામાં વોશિંગ્ટન પોસ્ટે પોતાની એક ખબરમાં જણાવ્યુ કે 'જ્યારે તાલીબાનો પાસે સંશાધનોની કમી થઈ ત્યારે પોતાના નિયંત્રણોને મજબુત કરવા માટે તેમણે પાકિસ્તાનથી હજારો તાલીબાન લડવૈયાઓ અને સમર્થકોને અફઘાનિસ્તાન બોલાવ્યા હતા.

(3:15 pm IST)