Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પ્રમોશનમાં અનામત મામલે બોલ રાજ્‍યોની કોર્ટમાં

સુપ્રિમ કોર્ટનો ફેંસલો આવ્‍યો : પ્રમોશનમાં અનામત પર કોર્ટે પોતાનો અગાઉનો ફેંસલો બદલવા ઇન્‍કાર કર્યો : અનામત કઇ રીતે આપવી તે રાજ્‍યો નક્કી કરે : રાજ્‍ય સરકારો અનુ.જાતિ તથા જનજાતિના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપતા પહેલા માત્રાત્‍મક ડેટા એકત્ર કરવા માટે બાધ્‍ય છે : અનામતના માપદંડોમાં હસ્‍તક્ષેપ કરવા કોર્ટનો ઇન્‍કાર

નવી દિલ્‍હી તા. ૨૮ : સરકારી નોકરીઓમાં એસસી-એસટીને પ્રમોશનમાં અનામતના મામલામાં સુપ્રિમ કોર્ટે આજે પોતાનો ફેંસલો આપ્‍યો છે. સુપ્રિમ કોર્ટે ૨૦૧૮માં આપેલા જરનેલસિંહથી સંબંધિત વિવાદના મામલામાં જે સવાલ ઉઠયા હતા તેના પર પોતાનો જવાબ આપ્‍યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે પ્રમોશનમાં અનામત માટે અપ્રયાપ્‍ત પ્રતિનિધિત્‍વના ડેટા તૈયાર કરવાની જવાબદારી રાજ્‍યની છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, અમે આ માટે કોઇ માપદંડ નક્કી ન કરી શકીએ. આમ, કોર્ટે અનામતનો મામલો રાજ્‍ય સરકારોની કોર્ટમાં મુકી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, રાજ્‍ય સરકારોએ નક્કી કરવાનું છે કે, તેને કઇ રીતે લાગુ કરવો.
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં અનામત મુદ્દે મહત્‍વનો નિર્ણય આપ્‍યો છે. સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતની શરતોને હળવી કરવાનો ઇનકાર કરી દીધો છે. નવો માપદંડ નક્કી કરવામાં આવશે નહિ. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડેટા વિના નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહીં. પ્રમોશનમાં અનામત આપતા પહેલાં રાજય સરકારોએ ડેટા દ્વારા સાબિત કરવું પડશે કે SC/STનું પ્રતિનિધિત્‍વ ઓછું છે. સમીક્ષાનો સમયગાળો કેન્‍દ્ર સરકારે નક્કી કરવો જોઈએ.
અગાઉ, સર્વોચ્‍ચ અદાલતે કહ્યું હતું કે, તે એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવાના નિર્ણયને ફરીથી ખોલશે નહીં કારણ કે તે રાજયોને નક્કી કરવાનું છે કે તેઓ તેનો અમલ કેવી રીતે કરે છે.
જસ્‍ટિસ એલ. નાગેશ્વર રાવની આગેવાની હેઠળની ત્રણ ન્‍યાયાધીશોની બેન્‍ચે એટર્ની જનરલ કે.કે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહ અને વિવિધ રાજયો તરફથી હાજર રહેલા અન્‍ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષકારોને સાંભળ્‍યાં. બેંચમાં જસ્‍ટિસ સંજીવ ખન્ના અને જસ્‍ટિસ બી.આર ગવઈ પણ સામેલ છે. બેંચે ૨૬ ઓક્‍ટોબર ૨૦૨૧ નાં રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્‍યો હતો.
નિર્ણય અનામત રાખતા કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ માત્ર એ મુદ્દા પર નિર્ણય લેશે કે શું અનામત ગુણોત્તર પર્યાપ્ત પ્રતિનિધિત્‍વ પર આધારિત હોવી જોઈએ કે નહીં. કેન્‍દ્રએ બેન્‍ચને કહ્યું હતું કે, એ વાત સાચી છે કે દેશની આઝાદીના ૭૫ વર્ષ પછી પણ એસસી/એસટી સમુદાયનાં લોકોને આગળના વર્ગની જેમ બુદ્ધિમત્તાના સ્‍તરે લાવવામાં આવ્‍યાં નથી. વેણુગોપાલે દલીલ કરી હતી કે, એસસી અને એસટી સમુદાયનાં લોકો માટે ગ્રુપ ‘A’ કેટેગરીની નોકરીઓમાં ઉચ્‍ચ પદ મેળવવું વધુ મુશ્‍કેલ છે અને સમય આવી ગયો છે કે સર્વોચ્‍ચ અદાલતને ખાલી જગ્‍યાઓ ભરવા માટે કહેવામાં આવે. કેટલાંક નક્કર પાયાએ OBC (અન્‍ય પછાત વર્ગો) માટે આપવામાં આવશે.
એટર્ની જનરલે કહ્યું હતું કે SC/ST ને અસ્‍પૃશ્‍ય ગણવામાં આવે છે અને તેઓ બાકીની વસ્‍તી સાથે સ્‍પર્ધા કરી શકતા નથી. તેથી આરક્ષણᅠજરૂરી. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં નવ રાજયોના આંકડા ટાંક્‍યા હતા અને નિર્દેશ કર્યો હતો કે તેઓ બધા સમાનતાના સિદ્ધાંતનું પાલન કરે છે.ᅠજેથી લાયકાતનો અભાવ તેમને મુખ્‍ય પ્રવાહમાં આવવાથી વંચિત ન રહે.

 

(3:00 pm IST)