Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ગઇકાલથી ચૂંટણી અભિયાન શરૂ કરનાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સાથે પાંચ સાંસદો ન જોડાતા તર્ક-વિર્તક

પંજાબ ચૂંટણી જંગઃ રાહુલે ઉમેદવારો સાથે ગુરદ્વારા - મંદીરોમાં માથુ ટેકયુઃ લંગર પ્રસાદ લીધો

નવી દિલ્હી, તા.૨૮: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે ગઇકાલે પોતાનું અભિયાન શરૂ કરેલ. રાહુલે પ્રદેશ કોંગ્રેસનો ગઢ બચાવવા ગુરૂદ્વારાઓ અને મંદિરોમાં ઉમેદવારો સાથે માથુ ટેકયુ હતુ. જો કે કોંગ્રેસના પાંચ સાંસદોએ આ પ્રવાસથી દુર રહેતા અંદરની દરારો ઉભરીને સામે આવી છે. પણ બે સાંસદોએ રાહુલના પ્રવાસથી દુરની ખબરોને ખોટી ગણાવેલ.

પંજાબમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસમાં ધમાસણ ચાલી રહ્યું છે. ટીકીટ વેંચણીમાં પણ કોંગ્રેસમાં જુથવાદ સામે આવેલ, હવે પ્રચારમાં પણ ભાગલા દેખાવા લાગ્યા છે. રાહુલે ગુરૂવારે કોંગ્રેસ એકજુટ હોવાનો સંદેશ દેવા બધા ઉમેદવારો સાથે અમૃતસરમાં શ્રી હરમંદિર સાહેબ, દુર્ગ્યાણા મંદિર તથા વાલ્મીકી તીર્થમાં દર્શન કરેલ.

અમૃતસરમાં રાહુલે કોંગ્રેસી નેતાઓ સાથે પંગતમાં બેસી લંગર પ્રસાદ લીધો હતો. ત્યારબાદ જલીયાવાલા બાગ ખાતે શ્રધ્ધાંજલી અર્પી હતી. આ દરમિયાન સીએમ ચન્ની અને પ્રદેશ અધ્યક્ષ સિધ્ધુ સાથે રહેલ. જયારે સાંસદો જસબીરસિંહ, રવનીતસિંહ, મોહમ્મદ સદીક, પરનીત કૌર અને મનિષ તિવારી જોડાયા ન હતા.

આ અંગે રવનીતસિંહ બીટ્ટુએ જણાવેલ કે તેઓ રાહુલ સાથે વર્ચ્યુઅલ રેલીમાં હાજર રહેલ. જયારે જસબીરસિંહે રાહુલના પ્રવાસનો બોયકોટ કરવાનો સવાલ જ ઉભો ન થતો હોવાનું જણાવેલ.

ઉપરાંત રાહુલ સાથે ન જોડાનારા સાંસદ પરનીત કૌર કોંગ્રેસથી અલગ થયેલ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહના પત્નિ છે. કોંગ્રેસે થોડા દિવસો પહેલા તેમને પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ થવા બદલ નોટીસ આપેલ. કોંગ્રેસના સૂત્રો મુજબ મનીષ તિવારી, મોહમ્મદ સદીક અને જસબીરસિંહ કેપ્ટનના નજીકના નેતા માનવામાં આવે છે.

બીજી તરફ ભાજપે ૨૭ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં અનુસુચિત જાતિ આયોગના અધ્યક્ષ વિજય સાંપલને ફગવાડાથી તથા રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહને રૂપનગરથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલ બે ધારાસભ્યોને બે ટીકીટ આપવામાં આવી છે. પંજાબના સીએમ ચન્ની વિરૂધ્ધ ચમકૌર સાહીબથી ભાજપે દર્શનસિંહે શિવજોતને  ઉમેદવાર બનાવ્યા છે.

(12:40 pm IST)