Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ડીંગુચાના લોકોનું વિદેશ 'વળગણ' : અડધોઅડધ વસ્તી કેનેડા, US-UKમાં વસી છે

૭,૦૦૦ની વસ્તીવાળા ડીંગુચાના અડધોઅડધ લોકો વિદેશ જઈને વસ્યા છે : ગામના લોકોમાં વિદેશમાં વસવાની ગાંડી ઘેલછા છે. છોકરા-છોકરીઓ પ્રાયમરી સ્કૂલમાંથી પાસ થયા બાદ જ વિદેશ જવા માટેની તૈયારી કરવા માંડે છે : ગામના દરેક ફળિયે વિદેશ મોકલતાં એજન્ટ મળી રહેશે

અમદાવાદ તા. ૨૮ : ડીંગુચા મહેસાણા તરફ જતાં આવતું ગાંધીનગરનું છેલ્લું ગામ એટલે ડીંગુચા. આ ગામમાં NRI હોવાનો અર્થ સફળતા છે. ગામમાં પ્રવેશ કરો ત્યારથી જ તમને 'કેનેડા અને યુએસ જવાના સ્ટુડન્ટ વિઝા'ની જાહેરાતોવાળા પોસ્ટર જોવા મળે છે. ગામમાં જયાં-જયાં જાવ ત્યાં તમને આવા પોસ્ટર જોવા મળશે. ડીંગુચા ગામ છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે, બદનામી વેઠી રહ્યું છે. આ ગામનો ચાર સભ્યોનો પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડાથી યુએસમાં પ્રવેશ કરવાનો હતો પરંતુ તે પહેલા જ ઠંડીમાં ઠૂંઠવાઈને કેનેડાની સરહદે મૃત્યુ પામ્યો હતો. આ ગામના લોકોમાં વિદેશમાં વસવાની ગાંડી ઘેલછા છે. ૭,૦૦૦ની વસ્તી ધરાવતાં ડીંગુચાની લગભગ અડધી વસ્તી કેનેડા, યુએસ અને યુકે જેવા દેશોમાં જઈને વસી છે.

ડીંગુચાની પંચાયતના રેકોર્ડ પ્રમાણે, ૩,૨૦૦ જેટલા સ્થાનિકો હાલ વિદેશમાં વસેલા છે. ગામવાસીઓએ સ્વીકાર્યું કે અહીંના યુવાનો પાસે બે વિકલ્પ હોય છે કાં તો તેઓ યુએસ સિટિઝનશીપ મેળવી લે અથવા એજન્ટ બની જાય. આંતરરાષ્ટ્રીય મુસાફરીના નિષ્ણાત બનીને ડીંગુચા અને આસપાસના ગામો માટે આવકનો  સ્ત્રોત બને.

ગામના કૃષિ નિષ્ણાત કનુ પટેલનું કહેવું છે કે, તેમના માતાપિતા, મોટાભાઈ, ભાભી અને તેમના બે બાળકો ૬ વર્ષ પહેલા યુએસના પેન્સિલવેનિયામાં સ્થાયી થયા છે. 'અમારા ગામની વસ્તી આશરે ૭,૦૦૦ની છે અને તેમાંથી અડધોઅડધ લોકો યુએસ, કેનેડા કે યુકેમાં જઈને વસ્યા છે. ગામના દરેક ફળિયામાં ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ મળી રહેશે. તેમની લિંક દિલ્હી, મુંબઈ તેમજ યુએસ અને કેનેડા જેવા દેશોના મોટા એજન્ટો સાથે છે,' તેમ કનુ પટેલે ઉમેર્યું.

કલોલમાં એજન્ટ તરીકે કામ કરતાં એક સ્થાનિકે નામ ના આપવાની શરતે જણાવ્યું કે તેના પરિવારે ૧૦ વર્ષ પહેલા યુએસની મુલાકાત લીધી હતી. 'મેં આખી સિસ્ટમ સમજી લીધી અને અન્ય લોકોને યુએસમાં સેટલ થવામાં મદદ કરવાનું શરૂ કર્યું. બાદમાં હું એજન્ટ તરીકે કામ કરવા લાગ્યો. હું વિદેશ જઈને વસી શકું એટલા રૂપિયા ભેગા ના કરું ત્યાં સુધી આ કામ ચાલુ રાખીશ,' તેમ તેણે ઉમેર્યું.

ગામના તલાટી જયેશ ચૌધરીએ કહ્યું કે, છોકરો કે છોકરી પ્રાયમરી સ્કૂલ પાસ કરે ત્યારથી જ યુએસ કે કેનેડા જવા માટેની તૈયારી શરૂ કરી દે છે. 'આ જ અવિચારીપણાને લીધે ગામની અડધી વસ્તી યુએસ કે કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયામાં છે. આ NRI શિયાળા દરમિયાન કયારેક વતનમાં આવે છે અને ગામના વિકાસ માટે ફાળો આપે છે,' તેમ ચૌધરીએ કહ્યું.

કનુ પટેલે આગળ કહ્યું, 'મોટાભાગે ગામ ઉજ્જડ લાગે છે. જોકે, ગામનો દેખાવ જોશો તો શહેરથી ઓછો નહીં લાગે. અહીં પાકા રોડ, બે મોટી શાળાઓ, હોસ્પિટલો, કમ્યુનિટી હોલ અને બેંકો છે. આ બધું શકય બન્યું છે વિદેશ જઈને વસેલા ગામના લોકોના લીધે કારણકે તેમણે સતત ગામના વિકાસ માટે ફાળો આપ્યો છે.'

એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવા અંગે પૂછવામાં આવતાં તલાટીએ ગામમાં આવું કંઈ ચાલતું હોવાની ખબર નથી તેમ કહ્યું હતું. આ મુદ્દે ટિપ્પણી કરવા ગામના સરપંચ માથુરજી ઠાકોર ઉપલબ્ધ નહોતા.

(12:39 pm IST)