Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કર્મચારી વર્ગને મળશે ખુશખબર

કેન્‍દ્રીય કર્મચારીઓ-પેન્‍શનરોને રાજી કરશે સરકાર ૧૮ મહિનાનું બાકી DA આપશેઃ ખાતામાં આવશે ૨ લાખ

સરકાર તુરંતમાં નિર્ણય લેશેઃ ડીએ પણ ૩ ટકા વધશે

નવી દિલ્‍હી, તા. ૨૮ : કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરો માટે એક સારા સમાચાર છે. કેન્‍દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થા (ડીએ)માં વધારાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. તેની સાથે જ તેમના ૧૮ મહિનાના બાકી ડીએ પર પણ મોટી જાહેરાત થઈ શકે છે. જો આવુ થશે તો સરકારી કર્મચારીઓના ખાતામાં બે લાખ રૂપિયા સુધીની રકમ આવી શકે છે. આ ફાયદો એક કરોડથી વધારે કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરોને મળશે.
કેન્‍દ્ર સરકારે પોતાના કર્મચારીઓને ૧૮ મહિના એટલે કે ૧ જાન્‍યુઆરી ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ વચ્‍ચે ડીએ નથી ચૂકવ્‍યું. કર્મચારીઓ લાંબા સમયથી તેની માંગણી કરી રહ્યા છે. મીડીયા રીપોર્ટસ અનુસાર, સરકાર બહુ જલ્‍દી આ અંગે નિર્ણય લઈ શકે છે. જો સરકાર કર્મચારીઓના બાકી ભથ્‍થા ચુકવવાનો નિર્ણય લે તો કેન્‍દ્રીય કર્મચારીઓને ૨ લાખ રૂપિયા સુધીની રકમ મળવાની આશા છે. લેવલ-૧ના કર્મચારીઓને ડીએનું એરીયર્સ ૧૧૮૮૦ રૂપિયાથી ૩૭૫૫૪ રૂપિયા જેટલુ છે. આવી જ રીતે લેવલ ૧૩ અને ૧૪ના કર્મચારીઓને ડીએ એરીયર્સના રૂપમાં ૧,૪૪,૨૦૦ રૂપિયાથી ૨,૧૮,૨૦૦ રૂપિયા સુધી મળી શકે છે.નિષ્‍ણાંતો અનુસાર આ વખતે મોંઘવારી ભથ્‍થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. જો આવુ થશે તો કેન્‍દ્રીય કર્મચારીઓનું કુલ ડીએ ૩૧ ટકાથી વધીને ૩૪ ટકા થઈ શકે છે.

 

(11:12 am IST)