Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

RRB-NTPC પરિક્ષા મામલે વિદ્યાર્થીઓએ આજે બિહાર બંધની જાહેરાત : હાઇવે જામ કર્યો

આરજેડી, જન અધિકાર પાર્ટી, હિન્દુસ્તાની અવમ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ સમર્થન આપ્યું

પટણા તા. ૨૮ : બિહારમાં RRB-NTPC પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. બિહારમાં આજે વિદ્યાર્થીઓએ બંધનું એલાન આપ્યું છે. તેને અનેક રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. આરજેડી, જન અધિકાર પાર્ટી, હિન્દુસ્તાની અવમ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ સમર્થન આપ્યું છે. પટનામાં શુક્રવારે સવારથી જ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ RRB NTPC CBT 2 અને ગ્રુપ D CBT 1 ની પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવીને વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે શિક્ષકો સામેની FIR પાછી ખેંચી લેવામાં આવે. આ બધાની વચ્ચે ખાન સાહેબે એક વીડિયો જારી કરીને વિદ્યાર્થીઓને આ વિરોધમાં ભાગ ન લેવાની અપીલ કરી છે.

બિહારમાં બંધ દરમિયાન મોડી રાતથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પટનામાં NH ૩૧ પર વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. જે બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ યુપી સુધી બિહારમાં બંધની અસર જોવા મળી રહી છે. યુપીના અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રેલવે દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળવામાં આવશે અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીઓ તેને સ્વીકારવા તૈયાર નથી. વિદ્યાર્થી સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે. તેને અનેક રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે આગચંપી અને તોડફોડ થઈ રહી છે તે જોતા માનવામાં આવે છે કે આજનો દિવસ પણ હંગામાથી ભરેલો હોઈ શકે છે. જો કે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

(10:58 am IST)