Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જાપાનીઓ પાસે છે તંદુરસ્ત રહેવાની ચાવી ! ભારતીયોએ અપનાવવા જેવી છે આ આદતો

ઓછી કવોન્ટિટીમાં અને ધીમે -ધીમે ચાવીને ખાવું, ખાવામાં ગ્રીન વેજિટેબલ્સનો ઉપયોગ કરવો, ગ્રિલ્ડ સ્ટીમ્ડ કે પછી બોઇલ કરીને ખાવું અને સમયસર ખાઇ લેવું આ તેમની સારી આદતોમાંથી એક છે

નવી દિલ્હી,તા. ૨૮: જાપાની લોકો પોતાની લાઇફસ્ટાઇલને બહુ જ હેલ્ધી રાખે છે. તેના કારણે તેઓ સ્વસ્થ રહે છે. તેમની ખાવાની સારી આદતોના કારણે પેટની બીમારીથી પણ તેઓ દૂર રહે છે. ધીમે ધીમે ઓછી કવોન્ટિટીમાં ચાવીને ખાવું, ખાવામાં ગ્રીન વેજિટેબલ્સનો ઉપયોગ કરવો, ગ્રિલ્ડ સ્ટીમ્ડ કે પછી બોઇલ કરીને ખાવું અને સમયસર ખાઈ લેવું આ તેમની સારી આદતોમાંથી એક છે. માત્ર એટલું જ નહીં, સ્વસ્થ રહેવા માટે તેઓ દ્યણું પગે ચાલે છે. જાપાનીઓની ખાવાની આદતો જો ભારતીય પોતાની બનાવી લે તો તેઓ સરળતાથી સ્વસ્થ રહી શકે છે. આવો જાણીએ ભારતીયોએ કઈ સારી વાતો શીખવી જોઈએ, જે જાપાનીઓ અપનાવે છે.

ખાવા માટે ચોપસ્ટિકનો ઉપયોગ કરો. જાપાનીઝ ચોપસ્ટિકની મદદથી ખાય છે. તેઓ ફૂડ થોડી થોડી કવોન્ટિટીમાં ખાય છે જેથી તેનું ડાઇજેશન સારી રીતે થઈ શકે. ભારતીયોને પણ એ રીતે ખાવું જોઈએ જેથી પાચનમાં સુધારો થાય અને જમવાનું સરળતાથી ડાઇજેસ્ટ થઈ શકે.

જાપાની લોકો હાઈ ન્યૂટ્રિશિસ ડાયટનું સેવ કરે છે. સામાન્ય રીતે જાપાની થાળીમાં ભાત અને ગ્રીન વેજિટેબલ્સ હોય છે, જે ગ્રિલ્ડ, સ્ટીમ્ડ કે બોઇલ્ડ હોય છે. તેને પચાવવું એકદમ સરળ હોય છે અને પેટને સ્વસ્થ રાખે છે.

જાપાની લોકો પોતાના ખાવામાં સીક્રેટ ઇન્ગ્રિડિયેન્ટ્સનો ઉપયોગ કરે છે જે તેને પચાવવામાં મદદ કરે છે. તેમાં વિનેગર  મુખ્ય હોય છે. જાપાની લોકો વિનેગરનો ઉપયોગ અથાણા અને સલાડમાં કરે છે. તેનો આર્કટિક એસિડ ફેટને ઓછું કરે છે અને શરીર સ્વસ્થ રાખે છે. ભારતીયોએ પણ આ આદત અપનાવવી જોઈએ.

જાપાનીઝ ખાવામાં સૂપનું સેવન સૌથી વધારે કરે છે. મિસો સુપથી લઈને નૂડલ સૂપ સુધી કેટલાય એવા જાપાની સૂપ છે જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. સૂપ ખાવાથી શરીર સ્વસ્થ પણ રહે છે અને એનર્જી પણ મળે છે. શિયાળામાં શરીરમાં ગરમી લાવવા માટે સૂપ નું સેવન કરવામાં આવે છે.

ડિનર સમયસર કરી લેવું એક સારી આદત છે અને જાપાની લોકો આ ટેકિનક અપનાવીને સ્વસ્થ રહે છે. મોટાભાગના જાપાની લોકો સાંજે ૭ વાગ્યા પહેલા જ ડિનર કરી લે છે, જે સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. ભારતીયોને પણ જલ્દી ખાવાની આદતને અપનાવવી જોઈએ.

જાપાની લોકો મોટાભાગે ગ્રીન ટીનું સેવન કરે છે જે શરીર માટે ઘણું સારું છે. ગ્રીન ટી બેલી ફેટને ઓછું કરે છે, વજન કન્ટ્રોલમાં રાખે છે અને શરીરને ડિટોકસીફાઇ કરવામાં મદદ કરે છે. ભારતીયોએ પણ ગ્રીન ટીને પોતાની ડાયટમાં સામેલ કરવું જોઈએ.

ખાવાનું પચાવવા માટે સાઇકલિંગ અને પગે ચાલવું જરૂરી છે. જાપાનીઓની આદત છે કે તેઓ જમેલું પચાવવા માટે સાઇકલિંગ કરે છે અને પગે ચાલે છે.

(10:00 am IST)