Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની તૈયારી

શિક્ષણ મંત્રાલયે રાજયો સાથે શરૂ કરી ચર્ચા

નવી દિલ્હી, તા.૨૮: કોરોનાના ડરથી બંધ પડેલ દેશભરની શાળા, કોલેજો સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સંક્રમણની ઝડપ ઘટતા જ ફરીથી ખોલવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. જો કે તેને કયારથી ખોલવી તેનો નિર્ણય રાજયોએ જ કરવાનો છે. પણ તે પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે કેન્દ્ર સરકાર તરફથી કેટલાક જરૂરી દિશા નિર્દેશો આપી શકાય છે. હાલ તો તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ શ્રૃંખલામાં તમિલનાડુ સરકારે એક ફેબ્રુઆરીથી ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો ફરીથી ચાલુ કરવાની જાહેરાત કરી છે.

શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સુત્રો અનુસાર, કેટલાય રાજયોએ આ બાબતે સંપર્ક પણ સાધ્યો છે. સાથે જ કોરોનાની પાછલી લહેરોની જેમ આ વખતે શાળાઓ સહિત બીજી શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોચીંગ વગેરેને ખોલવા બાબતે દિશા નિર્દેશ જાહેર કરવાની માંગણી કરી છે. ત્યારપછી જ મંત્રાલયે આ દિશામાં કામ શરૂ કર્યુ છે. હાલ તો જે સંકેત મળી રહ્યા છે તેમાં અત્યારે ફકત નવમાથી બારમાં ધોરણ સુધીના બાળકોને શાળાએ બોલાવશે. બાકી બાળકોને પરિસ્થિતી અનુસાર આવતા કેટલાક મહિનાઓમાં બોલાવી શકાય છે. તો કોચીંગ સંસ્થાઓને પણ સીમિત સંખ્યા સાથે ખોલવાની પરવાનગી મળશે.

શિક્ષણ મંત્રાલયના સીનીયર અધિકારીઓ અનુસાર આગામી દિવસોમાં આમ પણ બોર્ડ સહિત જેઇઇ અને નીટ જેવી પરિક્ષાઓ છે. જેના માટે શાળાઓ ખોલવી જ પડશે. તે પહેલા દસમા અને બારમાની પરિક્ષાઓ પણ થવાની છે જેમાં વિદ્યાર્થીઓને બોલાવવા જરૂરી છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયના નિષ્ણાંતોએ પણ સલાહ આપી છે કે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં કોઇ જોખમ નથી. મોટા ભાગના બાળકો ઓનલાઇન અભ્યાસમાં સારૂ પ્રદર્શન નથી કરી શકતા.

(9:59 am IST)