Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મુંબઈનો અનોખો પરિવાર : ચાર પેઢી અને એ પણ અખંડ

૮૬ સભ્યોનો આ પરિવાર છે અને જેઠાલાલ ફુરિયાના પાંચેય દીકરાઓ એકસાથે એક બિલ્ડિંગમાં રહે છે : ૯૦ વર્ષના જેઠાલાલ ફુરિયાનાં દીકરાઓ, દીકરીઓ, પૌત્ર અને પૌત્રીઓને અખંડ સૌભાગ્યનું જાણે વરદાન મળ્યું હોય એવું લાગે છે

મુંબઇ, તા.૨૮: ૯૦ વર્ષના જેઠાલાલ ફુરિયાનાં દીકરાઓ, દીકરીઓ, પૌત્ર અને પૌત્રીઓને અખંડ સૌભાગ્યનું જાણે વરદાન મળ્યું હોય એવું લાગે છે. તેમના પરિવારના ૮૬ સભ્યો દરેક પ્રસંગમાં એકસાથે હોય છે ૅં તેમના પાંચેય દીકરાઓ એક જ બિલ્ડિંગમાં રહે છે અને હાલમાં જ તેઓ તેમની ચોથી પેઢીનાં લગ્ન સજોડે પોતાની આંખે નિહાળી શકયા છે.

ચોથી પેઢીનાં લગ્ન અખંડ જોડીઓમાં સજોડે પોતાની આંખે નિહાળી શકે એવો અનુભવ થાણે-વેસ્ટના નૌપાડામાં રહેતા સુવઈ ગામના વાગડ વીસા ઓસવાળ સમાજના ૯૦ વર્ષના બાપા જેઠાલાલ વેરશી ફુરિયા અને તેમનાં ૮૭ વર્ષનાં પત્ની કામલબહેન ફુરિયા કરી શકયાં છે. પરપૌત્રની જોડી સાથે ૨૩મી અખંડ જોડી પરિવારમાં જોવા મળી શકે છે. ૨૩ જાન્યુઆરીએ ચોથી પેઢીનાં લગ્ન સાથે આ પરિવારે ચાર અખંડ પેઢીનો ઇતિહાસ રચ્યો છે એવું પણ કહી શકાય છે. ઉલ્લેખનીય છે કે એની સાથે જ કચ્છ, કંઠી, અબડાસા, હાલાર અને વાગડ પંથકના ઓસવાળ જ્ઞાતિના ઇતિહાસમાં કદાચ આવો કુંટુબના વડલાનો વંશવેલો ભાગ્યે જ જોવા મળી શકે છે. ૮૬ સભ્યોનો આ પરિવાર છે અને જેઠાલાલ ફુરિયાના પાંચેય દીકરાઓ એકસાથે એક બિલ્ડિંગમાં રહે છે. મુંબઈમાં અનેક પરિવારોને આના પરથી બોધપાઠ મળી રહે એમ છે.

    હાલમાં લગ્ન થયાં એ પરપૌત્ર જૈનિકની ફોઈ અને જેઠાબાપાની થાણેમાં રહેતી પૌત્રી પુષ્પા નિસરે જણાવ્યું હતું કે 'બાપા અને બાની એવી અખંડ જોડી છે જે તેમની ચોથી પેઢીનાં લગ્ન જોઈ શકી છે. એટલું જ નહીં, તેમની ચારેય પેઢીમાં અખંડ જોડીઓ છે. ૨૩મી અખંડ જોડી તમને ફુરિયાપરિવારમાં જ જોવા મળી રહેશે. પરિવારમાં ચોથી પેઢી તો અમુક જોતા હોય છે, પરંતુ અહીં ચાર અખંડ પેઢીનો ઇતિહાસ છે જે કદાચ કયાંય જોવા ન મળે. બાપા અને બા તો ગામમાં વાડીનું કામ કરીને તંદુરસ્ત છે. બાપાને પાંચ દીકરાઓ અને ચાર દીકરીઓ છે. પાંચેય દીકરાઓ એકસાથે એક જ બિલ્ડિંગમાં રહે છે, જેને ફુરિયા નિવાસ તરીકે પણ બધા ઓળખે છે. બાપાની સૌથી નાની દીકરી પ.પૂ.શ્રી નિશ્રાકુમારીજી આર્યાજીએ દીક્ષા લીધી હતી. હાલમાં બાપાના પરદોહિત્રનાં પણ લગ્ન છે અને લાઇનથી અમારે ત્યાં હવે લગ્ન છે. બાપા અને બા પોતાની આંખે બધાં લગ્ન જોઈ શકશે એ સોનાની સીડી ચડે એમ કહી શકાય. તેને મોક્ષ પામ્યા એમ પણ કહેવાય. વર્ષમાં બેથી વધુ વખત અમારા ૮૬ સભ્યોના પરિવારનો કાર્યક્રમ હોય છે અને એમાં સૌની હાજરી અચૂક હોય છે.'

૨૩મી અખંડ જોડી તમને ફુરિયાપરિવારમાં જ જોવા મળી રહેશે. પરિવારમાં ચોથી પેઢી તો અમુક જોતા હોય છે, પરંતુ અહીં ચાર અખંડ પેઢીનો ઇતિહાસ છે જે કદાચ કયાંય જોવા ન મળે.

(9:58 am IST)