Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અમેરિકામાં ઘૂષણખોરી કરવા જતા બે ગુજરાતી પરિવાર ગાયબ : ઉત્તર ગુજરાતના બે પરિવાર તુર્કીમાં ફસાયા

તુર્કીના એજન્ટોએ તેમણે બંધક બનાવી લીધા :વીડિયો વાયરલ:એજન્ટોની બર્બરતા : બંધકોને ઢોર માર મારી પરિવારજનો પાસે પૈસાની માંગણી: સગાઓએ ઇસ્તાંબુલ ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી છે

અમદાવાદ :  કેનેડામાં ચાર ગુજરાતીના -35 ડિગ્રીમાં થીજી જવાથી મોત થયા બાદ હવે ફરી એક વખત અમેરિકામાં ગેરકાયદેસર ઘૂષણખોરી કરતા બે ગુજરાતી પરિવાર ગાયબ થયા છે. તુર્કીમાં બે ગુજરાતી પરિવાર ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના બે પરિવાર અમેરિકા જવાના ચક્કરમાં તુર્કીમાં ફસાયા છે. આ પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે રવાના થયુ હતુ. જેમાં તેજસ પટેલ અને તેમના પત્ની અલકા બેન અને દીકરો દિવ્ય છે, જ્યારે બીજા પરિવારમાં સુરેશ પટેલ અને તેમના પત્ની શોભા તેમજ દીકરી ફોરમનો સમાવેશ થાય છે. આ પરિવાર કોઇ પણ ભોગે અમેરિકા પહોચવાની ફિરાકમાં હતા. કહેવામાં આવે છે કે તુર્કીના એજન્ટોએ તેમણે બંધક બનાવી લીધા છે.

એક વીડિયો વાયરલ થયો છે જેમાં એજન્ટોની બર્બરતા જોવા મળી રહી છે. બંધકોને ઢોર માર મારી પરિવારજનો પાસે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. ગાયબ પરિવારના નજીકના સગાઓએ ઇસ્તાંબુલ ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી છે.

ઉત્તર ગુજરાતના 90 મુસાફરોને ગેરકાયદેસર રીતે યુએસ મોકલવા માટે કલોલ તેમજ મહેસાણાના એજન્ટોએ મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાંથી અમુક ગ્રુપને મેક્સિકો, અમુક ગ્રુપને તુર્કી તેમજ અમુક ગ્રુપને કેનેડા બોર્ડર પરથી યુએસમાં ઘુસાડવાના હતા. આ મામલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી છે.

પોલીસ અનુસાર ઇસ્તાંબુલમાં ભારતીય એમ્બેસીને અપહરણ થયેલા પરિવારના સગાઓએ ફરિયાદ કરી છે, જેના આધારે તેમને શોધવામાં આવ્યા હતા.

(12:36 am IST)