Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

NTPCની પરીક્ષાનાં પરિણામો બાદ વિવાદ : કાલે બિહાર બંધનું એલાન : ત્રીજા દિવસે આંદોલન ચાલુ

રેલવેની માલમિલકતને નુકસાન પહોંચાડનાર દેખાવકારો તેમજ વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાનું શરૃ : યુપી પોલીસે વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવા માટે 6 પોલીસને સસ્પેન્ડ કર્યા

બિહારમાં રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)દ્વારા લેવામાં આવેલી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ની પરીક્ષાનાં પરિણામોના વિરોધમાં બિહાર સહિત કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ દ્વારા ભારે વિરોધ કરીને દેખાવો કરવામાં આવ્યા હતા.

પોલીસે દેખાવો કરનાર અને રેલવેની માલમિલકતને નુકસાન પહોંચાડનાર દેખાવકારો તેમજ વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાનું શરૃ કર્યું છે.

દેખાવકારો દ્વારા સતત ત્રીજા દિવસે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે. સ્ટુડન્ટસ યુનિયન દ્વારા શુક્રવારે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમણે રેલવે મંત્રાલયે રચેલી તપાસ સમિતિને પણ એક કાવતરું ગણાવ્યું હતું. યુપી પોલીસે વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવા માટે પ્રયાગરાજ ખાતે 6 પોલીસને સસ્પેન્ડ કર્યા છે. 2 વિદ્યાર્થીને પકડયા છે.

 

રેલવે દ્વારા ઘટનાની તપાસ માટે સમિતિ રચાઈ છે જે 4 માર્ચ સુધીમાં તેનો રિપોર્ટ આપશે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમારી પાસે પરીક્ષા અંગે કોઈ ફરિયાદ આવી નથી. કેટલાક લોકો વિદ્યાર્થીઓનાં હિંસક દેખાવોનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ગયા બુધવારે વિફરેલા વિદ્યાર્થીઓ અને દેખાવકારો દ્વારા ટ્રેનની બોગીઓ સળગાવીને રેલવેની માલમિલકતને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બિહારનાં ગયા ખાતે ટ્રેનની 4 ખાલી બોગીઓ સળગાવાઈ હતી. ગયા અને જેહાનાબાદ વચ્ચે ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. પટણા, ભાગલપુર અને સસારામ ખાતે પણ દેખાવો કરાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા ગયા ખાતે પોલીસને ટિયરગેસ છોડવો પડયો હતો.

પોલીસ દ્વારા ભોજપુર અને નવાદામાંથી 8 લોકોની ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભોજપુરમાં 700 અને નવાદામાં 500 અજાણ્યા લોકો સામે FIR કરાઈ છે. વીડિયો ફૂટેજ દ્વારા તોફાનીઓની ઓળખ કરાઈ રહી છે. ભોજપુરનાં GRP થાણામાં 4 નામજદ લોકો સામે કેસ કરાયો છે.

રેલવેપ્રધાને કહ્યું હતું કે જેઓ રેલવેની સંપત્તિને નુકસાન કરવામાં સામેલ હશે તેમને જિંદગીભર રેલવેમાં નોકરી અપાશે નહીં. તેમની ઓળખ કરીને તેમની પાસેથી દંડ વસૂલાશે. આવા દેખાવકારોને 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

(11:48 pm IST)