Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ઉંમર ૧૧ વર્ષ યુ-ટયુબ જોઇ શિખ્યો હેકીંગઃ પિતાને ૧૦ કરોડની ખંડણીનો મેઇલ મોકલ્યો

એક મહિના સુધી આડા અવળા ઇ-મેલ કરી પરિવારની ઉંઘ હરામ કરી

નવી દિલ્હી, તા.૨૮: ટેકનોલોજીનો ઉપયોગ જો તમે સારા કાર્યોમાં કરો તો આશીર્વાદ છે અને જો તેનાથી તમે ખોટા કામ કરો તો શ્રાપ છે. આધુનિક થઈ રહેલા સમયમાં માતા-પિતા પણ ગેમ રમવા માટે બાળકોને મોબાઈલ આપતા હોય છે. કોરોનાકાળમાં ઓનલાઈન કલાસ માટે ઈન્ટરનેટ કનેકશન સાથે કોમ્પ્યુટર આપતા હોય છે. પરંતુ ઈન્ટરનેટના ઉપયોગ સમયે બાળક સાથે મા-બાપનું રહેવું ખૂબ જરૂરી છે. ઈન્ટરનેટના ખોટા ઉપયોગથી બાળકો પર થતી ખરાબ અસરોનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં માત્ર ૧૧ વર્ષની ઉંમરે એક છોકરાએ પોતાના મા-બાપની ઊંઘ ઉડાડી દીધી. આ છોકરો ૧ મહિના સુધી એક પ્રોફેશનલ આરોપીની જેમ તેમને પરેશાન કરતો રહ્યો. પરિવાર સંપૂર્ણ રીતે ભાંગી પડ્યો હતો અને પછી છોકરાએ ૧૦ કરોડ રૂપિયાની ખંડણીનો ઈમેઈલ કર્યો.

જે બાદ પિતાએ સાઈબર સેલમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ શરૂ કરી તો ઘરના IP પરથી જ ઈમેઈલ મળ્યો હોવાની જાણ થઈ. પરિવારના તમામ સદસ્યોની પૂછપરછ થઈ તો માલુમ પડ્યું કે પાંચમા ધોરણમાં ભણનારા છોકરાએ આ હરકત કરી છે. આ ચોંકાવનારો મામલો યુપીના ગાઝિયાબાદના ઈંદિરાપુરમનો છે.

બાળકના પિતા ઈન્દિરાપુરમમાં રહે છે. સરકારી વિભાગમાં ઉચ્ચા હોદ્દા પર છે. તેમને ઘણા દિવસોથી ઈમેઈલ પર ધમકીઓ મળી રહી હતી. તેમણે પોતાના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની મદદ માગી, પરંતુ કોઈ ફાયદો ન થયો. લગભગ ૧ મહિનાથી સમગ્ર પરિવાર પરેશાન હતો.

પરંતુ પાછલા દિવસોમાં ૧૦ કરોડ રૂપિયાની ખંડણીનો ઈમેઈલ મળ્યો. હવે પરિવાર સંપૂર્ણ રીતે ડરી ગયો અને સીધા જ સાઈબર સેલ પહોંચીને ફરિયાદ કરી. પોલીસની તપાસમાં જે આઈપીથી ઈમેઈલ આવ્યો હતો, તે તેમના જ દ્યરનો હતો. હવે શંકાની સોય પરિવાર પર જ આવી ગઈ. દરેક સદસ્યએ પોલીસની અલગ-અલગ પૂછપરછ કરી. આ ક્રમમાં ૧૧ વર્ષના છોકરાએ ઘટનાક્રમ વિશે જણાવી દીધું.

સાઈબર ક્રાઈમ સેલના ઈન્ચાર્જ સુમિત કુમારે જણાવ્યું કે, છોકરાને થોડા સમય પહેલા કોમ્પ્યુટરના ઓનલાઈન કલાસ દરમિયાન સાઈબર ક્રાઈમ અને તેનાથી બચવાના સંબંધમાં જાણકારી આપવામાં આવી હતી. આ વિશે છોકરાએ યુ-ટ્યુબ પર દ્યણા વીડિયો જોયા. કેવી રીતે ઈમેઈલ મોકલાય છે અને સાઈબર ક્રાઈમ કેવી રીતે થાય છે વગેરે વિશે વીડિયો જોયા. અહીંથી જાણકારી મેળવીને જ તે ઈ-મેઈલ મોકલવા લાગ્યો. હવે પોલીસ છોકરાની પૂછપરછ કરીને તપાસ કરી રહી છે કે તેણે આ પ્રકારના ઈમેઈલ મોકલીને પોતાના મિત્રોને પરેશાન કર્યા છે કે નહીં.

(3:11 pm IST)