Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

દુનિયાભરમાં લગાવાઇ રહી છે ૧૭ કોરોના રસી

સૌથી વધારે ડીમાન્ડ છે કોવિડશીલ્ડની

નવી દિલ્હી તા. ૨૮ : દુનિયાભરમાં રસી મુકવાની શરૂઆત થયા પછી હવે વાયરસનો ખાતમો જલ્દી થશે એવું લાગી રહ્યું છે. હાલમાં દુનિયાના ૬૦ દેશોમાં રસીકરણ ચાલી રહ્યું છે અને કુલ ૪.૧૭ કરોડ ડોઝ લોકોને અપાઇ ચૂકયા છે. વિશ્વના અલગ અલગ દેશોમાં અત્યારે ૧૭ રસીઓને મંજુરી અપાઇ ચૂકી છે અને તેના ૧૨.૭ અબજ ડોઝ વિભીન્ન દેશો પોતાના નાગરિકો માટે બૂક કરાવી ચૂકયા છે ત્યારે એ જાણવું રસપ્રદ બનશે કે કઇ રસીની વિશ્વમાં કેટલી ડીમાન્ડ છે અને કઇ રસી કેટલી સફળ છે ?

બધી ૧૭ કોરોના રસીઓમાં સૌથી વધુ માંગ ઓકસફર્ડ યુનિવર્સિટીની રસી કોવીશીલ્ડની છે, જેના બે અબજ ડોઝના કરાર થઇ ચૂકયા છે. તેનું વૈજ્ઞાનિક નામ એજેડી ૧૨૨૨ છે. આ રસી ભારત ઉપરાંત યુરોપીય યુનિયન, અમેરિકા અને ઇન્ડોનેશીયા સહિત ઘણાં દેશોમાં મુકાઇ રહી છે. તો ડબલ્યુએચઓએ કોવેકસ પ્રોજેકટ હેઠળ વિકાસશીલ અને દેશો સાથે આ રસીનો કરાર કરેલો છે. ઓકસફર્ડની રસી પછી ફાઇઝર કંપનીની રસી ૧ અબજ ડોઝ, જોનસન એન્ડ જોનસનની એક અબજ ડોઝ, સનોફી મોડર્ના કંપની ૫૦ કરોડ, નોવાવેકસી કંપની ૩૮ કરોડ, સીનોવેકસ કંપનીના ૩૮ કરોડ ડોઝની માંગ છે. આ ઉપરાંત રશિયાની સ્પૂતનિક વી, કયોર વેક, કોવેકસ, મેડિકાગો, વાલનેવા, સિનોફાર્મા, કેનસિનો બાયોલોજીની રસીની પણ માંગ છે.

કોરોના રસીના ઉત્પાદનની ક્ષમતા અમેરિકા અને ભારતમાં સૌથી વધારે છે. ડેટા વિશ્લેષણ કંપની એરફીનીટી અનુસાર, અમેરિકા ૨૦૨૧ સુધીમાં ૪.૭ અબજ કોરોના રસીના ડોઝનું ઉત્પાદન કરી લેશે. જ્યારે ડાઇચેવીલેના એક ડેટા અનુસાર, ભારતમાં ૨૦૨૧ સુધીમાં ૩.૧૩ અબજ ડોઝનું ઉત્પાદન થશે. ત્યાર પછી ચીન ૧.૯૦ અબજ, બ્રિટન ૦.૯૫ અબજ, જર્મની ૦.૫ અબજ અને દક્ષિણ કોરીયા ૦.૩૫ અબજ ડોઝ ઉત્પાદીત કરશે. જો સૌથી મોટી કંપનીની વાત કરીએ તો ભારતીય કંપની સીરમ ઇન્સ્ટીટયૂટ દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે તે દર વર્ષે ૧.૪ અબજ ડોઝ રસીનું ઉત્પાદન એકલી જ કરે છે.

(3:07 pm IST)