Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બજેટમાં રિયલ એસ્ટેટને બૂસ્ટની આશા

સીમેન્ટ - સ્ટીલ અંગે સરકાર બનાવી શકે છે નવી સ્ટ્રેટેજી

નવી દિલ્હી તા. ૨૮ : દેશનું સામાન્ય બજેટ થોડા દિવસોમાં રજૂ થવાનું છે. આ બજેટ ઘણી બાબતોમાં ખાસ છે. કોરોના સંકટના સમયમાં પહેલી વાર આ સામાન્ય બજેટ રજૂ થવાનું છે. આ વખતે રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવા પર ભાર મુકાઇ શકે છે.

તેના માટે હોમ લોન પર ટેક્ષમાં છૂટની લીમીટને વધારવા ઉપરાંત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા મટીરીયલોને સસ્તા બનાવવા માટેનો પ્લાન બને તેવી આશા છે. સરકાર સીમેન્ટ અને સ્ટીલ ઉત્પાદનોના સસ્તા વિકલ્પ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. હાલમાં જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આની ચર્ચા કરી છે.

ઉલ્લેખનીય છે કે ગડકરીએ સીમેન્ટ અને સ્ટીલની વધતી કિંમતો પર ચિંતા વ્યકત કરતા નવા વિકલ્પો પર ભાર મૂકયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આના માટે બજેટમાં જોગવાઇઓ થઇ શકે છે. આ ઉપરાંત સરકાર સ્ટેનલેસ સ્ટીલમાં બનતી પ્લેટ સહિત અન્ય ઉત્પાદનોના નિર્માણમાં લાગતા કાચા માલ પરનું સીમા શુલ્ક ખતમ કરવા પર વિચાર કરી શકે છે.

આરઆઇસીએસ દક્ષિણ એશિયાના એમડી નિમિષ ગુપ્તાએ કહ્યું કે, લોકડાઉન અને કોરોનાના કારણે રિયલ એસ્ટેટ સેકટરને અસર થઇ છે પણ આશા છે કે સરકાર તેને ઉગારવામાં મદદ કરશે. બજેટમાં હોમ લોન પર છૂટ, વ્યાજ સબસીડી, જીએસટીમાં ઘટાડો જેવા પગલાઓ લેવાશે તો તે હાઉસીંગ સેકટરમાં તેજી લાવનારા પગલા સાબિત થઇ શકે છે.

(3:06 pm IST)