Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

હિંસા બાદ નબળુ પડી ગયું કિસાન આંદોલન

કિસાન સંગઠનોનો પક્ષ નબળો પડી ગયોઃ વિશ્વસનીયતાના સંકટનો સામનો કરવો પડશે

નવી દિલ્હી, તા.૨૮: કૃષિ નિષ્ણાંતોએ બુધવારે કહ્યું કે ગણતંત્ર દિવસે ખેડૂતોની 'ટ્રેકટર પરેડ' દરમ્યાન હિંસા થયા પછી પ્રદર્શનકારી કિસાન સંઘોનો પક્ષ નબળો પડી ગયો છે અને તેમણે વિશ્વસનિયતાના સંકટનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કૃષિ નિષ્ણાંતોએ એમ પણ કહ્યું કે પ્રદર્શનકારીઓ સાથે સમજૂતિ કરવા માટે સરકાર પાસે આ સૌથી સારો સમય છે અને બે મહિનાથી ચાલતા ખેડૂતોના આ આંદોલનને સમાપ્ત કરી શકાય છે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનૂનો વિરૂધ્ધ દિલ્હીની બોર્ડરો પર બે મહિનાથી હજારો ખેડુતો પ્રદર્શન કરી રહ્યા છે.

ભારતીય ખાદ્ય અને કૃષિ પરિષદના પ્રમુખ એમ જે ખાને કહ્યું, 'એક રાષ્ટ્રીય દિવસે થયેલી હિંસાએ દુનિયાભરમાં દેશની છબીને ઝાંખી પાડી છે. આજે ખેડૂતો વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે સમજૂતિ કરવા માટે આ એક સૌથી સારો સમય છે.'

તેમણે કહ્યું અત્યાર સુધી લગભગ ૪૦ પ્રદર્શનકારી કિસાન સંઘ પોતાના મજબૂત પક્ષ સાથે સરકાર સાથે વાતચીત કરી રહ્યા હતા અને સરકાર તેમની માંગણીઓ ઓછી સ્વીકારીને સમાધાન કરી શકે છે. આ સમાધાન તેમની એમએસપીની માંગણીઓ સ્વીકાર કરવી અને કૃષિ કાનૂનો રદ કરવાનું પણ હોઇ શકે છે. ખાને કહ્યું કે ૨૩ ફસલો માટે એમએસપી લાગુ કરવી સરકારી ખજાના પર કોઇ બોજ નહીં બને. વેપાર પર ૮૦ થી ૯૦હજાર કરોડ રૂપિયાની થોડી અસર થશે જેને ગ્રાહકો પાસેથી વસૂલી શકાશે.

કૃષિ નિષ્ણાંત વિજય સરદાનાએ દાવો કર્યો કે પ્રદર્શનકારી કિસાન સંઘોના સત્તારૂઢ પક્ષ વિરૂધ્ધના પ્રદર્શનોમાં તેમનું 'નિહિત હિત' છૂપાયેલું છે. કૃષિ નિષ્ણાંત અભિજીત સેને કહ્યું કે અત્યાર સુધી પ્રદર્શનકારી કિસાન સંઘો એક જૂથ હતા પણ મંગળવારની ઘટના પછી કિસાન સંઘોને મળી રહેલ સહાનૂભૂતિ ઘણી ઘટી ગઇ છે.

(1:06 pm IST)