Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભારતીય રેલ્વેએ શરૂ કરી નવી સુવિધા : હવે તમારા ઘરેથી બર્થ સુધી પહોંચશે સામાન

વધુ સામાન સાથે મુસાફરી કરતા લોકોને રાહત

નવી દિલ્હી,તા. ૨૮: વડાપ્રધાન મોદીના ડીજીટલ ઇન્ડીયાના માર્ગ પર રેલ્વે મજબુતી સાથે પગલા લઇ રહી છે. રેલ્વેએ મુસાફરો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેના દ્વારા લોકોને રેલ્વે સ્ટેશન સુધી પોતાનો સામાન લઇ જવામાંથી છુટકારો મળશે.

જણાવી દઇએ કે રેલ્વે પોતાના મુસાફરો માટે એવી સેવા લઇને આવી છે જેમાં તમારો સામાન તમારા ઘરેથી સીધો ટ્રેનની બર્થ સુધી પહોંચાડવામાં આવશે. ભારતીય રેલ્વેની આ સેવાને એન્ડ ટુ એન્ડ લગેજ સર્વિસ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં તેની શરૂઆત થઇ ચૂકી છે પશ્ચિમ રેલ્વેના ઓફિશ્યલ ટવીટર હેન્ડલ પરથી એક ટવીટ કરાયું છે. જેમાં લખાયુ છે, ' પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બુક બેગેજ ડોટ કોમ દ્વારા એન્ડ ટુ એન્ડ લગેજ પાર્સલ સેવાની શરૂઆત કરી.

આશા વ્યકત કરાઇ રહી છે કે અન્ય રેલ્વે સ્ટેશનો પર પણ આ સેવા બહુ જલદી ઉપલબ્ધ થઇ જશે. આ સેવાથી એવા લોકોને સવલત મળશે. જ મુસાફરી દરમ્યાન વધારે સામાન લઇને જતા હોય છે. આનો ચાર્જ સામાનના આકાર અને વજન પર આધારિત રહેશે.

ભારતીય રેલ્વે ખાનપાન અને પર્યટન નિગમ (આઇઆરસીટીસી) આવતા મહિનાથી પોતાની ઇ-ખાનપાન સેવાઓ ફરીથી શરૂ કરશે. જે મુસાફરો માટે બહુ મોટી રાહતની વાત છે. આ સેવા ૨૨ માર્ચ ૨૦૨૦થી બંધ કરાઇ હતી. આઇઆરસીટીસી ખાસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઇ-ખાનપાન સેવા ફરીથી શરૂ કરશે.

આ અંગે આઇઆરસીટીસી તરફથી બહાર પડાયેલ એક બયાનમાં કહેવામાં આવ્યુ છે. રેલ મંત્રાલયની પરવાનગી મળ્યા પછી તે ફેબ્રુઆરીથી તબક્કાવાર ઇ-ખાનપાન સેવાઓ ફરીથી શરૂ કરવા માટે તૈયાર છે. શરૂઆતમાં લગભગ ૨૫૦ ટ્રેનો માટે લગભગ ૩૦ રેલ્વે સ્ટેશનો પર આ સેવાઓ શરૂ કરવામાં આવશે.

(11:29 am IST)