Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બજેટમાં મળશે મોટી ભેટ ? 80-Cમાં રોકાણની રકમ વધશે

આ સીમા વધારીને ઓછામાં ઓછી ૩ લાખ સુધીની કરાઇ શકે છે

નવી દિલ્હી તા. ૨૮ : ટેકસના નિયમ 80-Cમાં એટલા રોકાણના વિકલ્પ છે કે લોકો ભ્રમિત રહે છે. સૌથી મોટી વાત કે ૧.૫ લાખ રૂપિયાની સીમા ઓછી છે જેથી તેનો ફાયદો મળતો નથી. આ વર્ષે આ સીમા વધારીને ઓછામાં ઓછી ૩ લાખ સુધીની કરાઈ શકે છે.

આ પહેલાં વર્ષ ૨૦૧૪માં તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ તેને ૧ લાખ રૂપિયાથી વધારીને ૧.૫ લાખ રૂપિયા કરી હતી. એકસપર્ટ બલવંત જૈન કહે છે કે છેલ્લા ૧૮ વર્ષમાં કલમ 80-Cની રોકાણની સીમા ૧.૫ લાખ રૂપિયાની છે. મોંઘવારી દર ૬ ટકા પણ માની લઈએ તો રોકાણની સીમા ઓછામાં ઓછી ૩ લાખ રૂપિયાની હોવી જોઈએ. ઈન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કીએ પણ આ સીમા વધારીને ૬ લાખ રૂપિયા સુધી કરવાની માંગ કરી છે.

ટેકસની કલમ 80-Cના આધારે ૧.૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને આવક ઘટાડી શકાય છે. એટલે કે તેના બદલે ઈન્કમ ટેકસમાં છૂટ મેળવી શકાય છે. જો કોઈની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયા છે અને તેને ૧.૫ લાખ રૂપિયા  80-Cના રોકાણમાં લગાવ્યા છે તો તેની ટેકસ ઈન્કમ ૪.૫ લાખ રૂપિયા ગણાય છે.

આ રોકાણમાં તમે લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, હોમ લોનનું પ્રિંસિપલ એમાઉન્ટ, ઈકિવટી એમાઉન્ટ, ઈકિવટી લિંકડ સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ, સ્ટેમ્પ ડ્યૂટી, પ્રોપર્ટી ખરીદવાના રજિસ્ટ્રેશન ચાર્જ, સુકન્યા સમૃદ્ઘિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સિનિયર સીટિઝન સેવિંગ સ્કીમ, પેન્શન, યૂલિપ પ્લાન, પાંચ વર્ષ સુધી ટેકસ સેવિંગ એફડી કે બોન્ડમાં રોકાણ કરી શકાય છે.

કેટલાક એકસપર્ટ કહે છે કે સેકશન 80-Cમાં હોમ લોનને રાખવાની અનેક સમસ્યાઓ રહે છે. પહેલાં તો તેની લિમિટ પહેલાંથી ઘણી ઓછી છે. લોકો આમ કરવાથી તેનો ફાયદો લઈ શકતા નથી. હોમ લોનને બદલે ટેકસ છૂટ માટે કોઈ અલગ સેકસનમાં રોકાણ કરવું. જેમકે વર્ષ ૨૦૧૯માં હોમ લોનના વ્યાજ પર પહેલી વાર મકાન ખરીદી રહેલા લોકો માટે ડિડકશનની એક અલગ કલમ 80EEએ લાવવામાં આવી હતી.

ટેકસમાં એટલી બધી ચીજોનો સમાવેશ કરાય છે પરંતુ તે દરેકનો લાભ મળી શકતો નથી. જેમકે બાળકોની સ્કૂલની ફી, પીએફ તો અનિવાર્ય છે. અનેક લોકોના આ મેન્ડેટરી ખર્ચ જ ૧.૫ લાખ રૂપિયા થઈ જાય છે. એવામાં હોમ લોનનું રિપેમેન્ટ જોડાય તો તે સીમાથી વધારે થઈ જાય છે. આ માટે આ સેકશનથી લોકોનો ખાસ ફાયદો મળતો નથી. આ માટે હોમ લોનના મૂળધનના પેમેન્ટને આ છૂટ સીમાથી બહાર કરી દેવાય તે યોગ્ય છે.

(10:01 am IST)