Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કાલથી સંસદનું બજેટ સત્રઃ વિવિધ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ટક્કરના એંધાણ

બજેટ સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિ બન્ને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન કરશેઃ સરકારની ભાવિ યોજનાઓનો ચિતાર આપશે : બજેટ ૧લી ફેબ્રુઆરીએ રજૂ થશેઃ સત્ર દરમિયાન કિસાન આંદોલન, ભારત-ચીન વિવાદ, કોરોના સંકટ, ઈકોનોમી, વોટસએપ ચેટીંગ સહિતના મુદ્દાઓ ગરમાગરમી લાવશે

નવી દિલ્હી, તા. ૨૮ :. આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્રમાં ભારે ગરમાગરમી થવાના એંધાણ મળી રહ્યા છે. કિશાન આંદોલન, ભારત-ચીન મુદ્દો, દેશની તૂટતી અર્થવ્યવસ્થા, વોટસએપ ચેટ લીક, કોરોના સંકટ સહિતના મામલે વિપક્ષ સરકારને ભીડવે તેવી શકયતા છે. આ બધા પ્રશ્નોનો મોદી સરકારે જવાબ આપવો પડશે. આજે વિપક્ષો સંયુકત રણનીતી ઘડી રહ્યા છે. આજે કોંગ્રેસ, ડાબેરીઓ, તૃણમૂલ, ડીએમકે, રાજદ, શિવસેના, આપ, એનસીપી સહિતના વિપક્ષો મંત્રણા કરી રહ્યા છે.

સંસદનું સત્ર આવતીકાલે શરૂ થઈ રહ્યુ છે. ૧લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થશે. અર્થતંત્રના મોરચે ઘેરાયેલી સરકાર માટે આ બજેટ સરળ નથી થવાનું. પરંતુ સૌથી મોટી સમસ્યા કૃષિ કાનૂનને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે જારી સંગ્રામ અને ભારત-ચીન સીમા વિવાદનો મુદ્દો છે. બજેટ સત્રમાં સરકારની સૌથી મોટી સમસ્યા કોવિડ સંકટ વચ્ચે અર્થતંત્રને સુધારવાની છે.

પરંપરા મુજબ સત્ર પહેલા રાષ્ટ્રપતિનું પ્રવચન થશે. જેમાં તેઓ સરકારની ભાવિ યોજનાઓનુ માળખુ રજૂ કરશે. સંસદનું બજેટ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ સત્ર ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજુ સત્ર ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે.

બજેટ સત્ર સારી રીતે ચાલે તે માટે પીએમ મોદીએ ૩૦મીએ સંસદમાં વિપક્ષોની બેેઠક બોલાવી છે. જો કે સંસદમાં સૌથી મોટો મુદ્દો કિસાન આંદોલનનો જ રહેશે.

(9:56 am IST)