Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વીમા વગરનું બાઈક ચલાવતા યુવકે બાળકને અડફેટે લીધો :ચૂકવવું પડશે 49 લાખનું વળતર

કોર્ટે સાક્ષીઓના નિવેદનના આધારે હરધાદને 49 લાખની વળતર ચૂકવવા માટે આદેશ કર્યો

મુંબઈમાં એક વીમા વગરની બાઈકે એક બાળકને ઉડાવ્યો હતો. આ ઘટનામાં બાળકના પિતાએ એક્સિડન્ટ કલેઈમ કરતા બાઈક ચાલકને સામેના વ્યક્તિને વળતર તરીકે એક બે નહીં પણ 49 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

રિપોર્ટ અનુસાર આ ઘટના મુંબઈમાં 11 જુલાઈ 2012માં બની હતી, મુંબઈમાં રહેતો હરધાદ ગોસાવી નામનો 20 વર્ષનો યુવક પોતાની બાઈક લઇને રસ્તા પર જઈ રહ્યો હતો.તે સમયે હરધાદે શાળાએ જતા એક બાળકને ટક્કર મારી હતી. બાળકનો અકસ્માત થયો હોવાની જાણ થતા તેના માતા-પિતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાળકનું નામ જયેશ સોલંકી હોવાનું સામે આવ્યું હતું. હરધાદની બેદરકારીના થયેલા અકસ્માતમાં બાળક જયેશને ઈજા થઇ હોવાના કારણે તેને સારવાર માટે ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવારો વારો આવ્યો હતો. આ ઘટના બની તે સમયે જયેશના પિતા નરેશ સોલંકીએ બાઈક ચાલકની સામે ગુનો પણ નોંધાવ્યો હતો.

આ ઘટનામાં જયેશને માથાના, મોઢા અને ફેફસાંમાં ઈજાઓ થવા પામી હતી. આ ઘટના પછી જયેશના પિતાએ વર્ષ 2014માં બાઈક ચાલક હરધાદ સામે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો. અકસ્માત પછી જયેશને લાઈફ ટાઈમ ફીઝીયોથેરાપી, નર્સિંગ કેસ, સ્પીચ થેરાપી અને દાવાની જરૂર પડશે. ડૉક્ટર દ્વારા જયેશ 100% દિવ્યાંગ હોવાનું કહેવામાં આવ્યું છે. જેના લઇને કોર્ટ દ્વારા બાઈક ચાલક હરધાદને વળતર પેટે જયેશના પિતાને 49 લાખની ચૂકવણી કરવાના આદેશ કર્યા હતા. આ ઘટનામાં હરધાદની બાઈકનો વીમો ન હોવાના કારણે આ વળતર તેને જ ચૂક્વવું પડશે. હાલ જયેશની ઉંમર 21 વર્ષની છે.

મહત્ત્વની વાત છે કે, કોર્ટમાં ચાલી રહેલા કેસમાં બાઈક ચાલક અને જયેશના પિતા ગેરહાજર રહેતા હતા. છતાં પણ કોર્ટે સાક્ષીઓના નિવેદનના આધારે હરધાદને 49 લાખની વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે, બાઈક ચાલકે અત્યારે જયેશને 49 લાખમાંથી અડધી રકમની ચૂકવણી અત્યારે કરવાની રહેશે અને અડધી રકમ જયેશના નામ પર 5 વર્ષ માટે FD કરવાની રહેશે.

(12:00 am IST)