Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બેરોજગારીના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદનો કરતા નથી : રાહુલ ગાંધી

ગયા વર્ષે કરોડો યુવાનોએ રોજગારી ગુમાવી : જયપુરમાં આક્રોશ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના પ્રહારો : જુની રીતે ગણાય તો વિકાસનો દર અઢી ટકા છે

જયપુર, તા. ૨૮ : રાજસ્થાનના પાટનગર જયપુરમાં કોંગ્રેસની યુવા આક્રોશ રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા અને બેરોજગારી માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. યુપીએના શાસનકાળમાં વિકાસદર ૯ ટકા હતો. બીજી બાજુ મોદી સરકાર નવીરીતે જીડીપી ગણે છે ત્યારે આ દર પાંચ ટકા છે. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા રાહુલે કહ્યું હતું કે, ૨૧મી સદીના ભારતે પોતાની સંપત્તિ હાલમાં બરબાદ કરી છે. રાહુલે કહ્યું હતું કે, જો મોદી સરકાર જુનીરીતે જીડીપીને ગણે તો ભારતનો વિકાસ દર અઢી ટકા હોઈ શકે છે. આને શરમજનક ગણાવતા કહ્યું હતું કે, યુપીએ સરકારના ગાળા દરમિયાન અમારી સરકાર ગરીબોને પૈસા આપતી હતી જેના લીધે અર્થવ્યવસ્થા આગળ વધી રહી હતી. અર્થવ્યવસ્થા એ વખતે ચાલે છે જ્યારે ગરીબોના ખિસ્સામાં પૈસા હોય છે જ્યારે તેમના ખિસ્સામાં પૈસા આવે છે ત્યારે ખરીદી કરવામાં આવે છે.

           મોદી સરકારે ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢીને ઉદ્યોગપતિઓને આપી દીધા છે. મોદી સરકારે યુપીએ સરકારની યોજનાઓ મનરેગા, ભોજનના અધિકારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદીએ નોટબંધી કરીને ગરીબોના પૈસા ૧૫થી ૨૦ ઉદ્યોગપતિઓને આપી દીધા હતા. ગરીબોના પૈસા જતા રહેતાની સાથે જ ચીજવસ્તુઓની ખરીદી બંધ થઇ હતી અને બેરોજગારી ૪૫ વર્ષમાં સૌથી ઉંચી સપાટીએ પહોંચી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત એક સાથે ચાલનાર દેશ તરીકેની છાપ ધરાવે છે. ભારતની આ છાપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરાબ કરી નાંખી છે.

           આજે સમગ્ર દુનિયામાં ભારતને રેપ કેપિટલ તરીકે ગણવામાં આવે છે. વડાપ્રધાન આ સંદર્ભમાં વાત કરશે નહીં જ્યારે અમારા યુવાનો પ્રશ્નો કરે છે ત્યારે ગોળીબાર કરવામાં આવે છે. યુવાઓને રોજગારી મળી રહી નથી. રાહુલ ગાંધીને મોદીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેઓ ભારતની કોઇપણ યુનિવર્સિટીમાં પોતાના ભાષણથી પહેલા વિદ્યાર્થીઓના પ્રશ્નો લઇને તેમને જવાબ આપી શકે છે. વડાપ્રધાન આ કામ કરી શકશે નહીં પરંતુ ખોટા વચનો આપશે. બેરોજગારીના મુદ્દા ઉપર કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, ભારતમાં હાલ મૂડી બરબાદ કરવામાં આવી રહી છે.

           રોજગારીના મુદ્દા ઉપર રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે એક કરોડ યુવાનોએ તેમની રોજગારી ગુમાવી હતી. એનઆરસીની વાત થશે, સીએએની વાત થશે પરંતુ દેશની સામે જે સમસ્યા છે તે બેરોજગારી છે. આ મુદ્દા ઉપર ક્યારે પણ વાત કરવામાં આવશે નહીં.

(7:34 pm IST)