Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગિરીરાજ સિંહે : અમિત શાહે તો શરજીલની ધરપકડ કરી છે

કેજરીવાલ ટુકડે ટુકડે ગેંગને બચાવી રહ્યા છે : ટુકડે ટુકડે ગેંગને બચાવવા માટે ફાઇલોને દબાવી દેવાઈ

નવીદિલ્હી, તા. ૨૮ : આસામને દેશથી અલગ કરી દેવાનું નિવેદન કરીને વિવાદ છેડનાર શરજીલની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીયમંત્રી ગિરીરાજ સિંહે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમિત શાહે તો કરીને બતાવ્યું છે પરંતુ કેજરીવાલ ટુકડે ટુકડે ગેંગને બચાવવા માટે ફાઈલ દબાવીને બેસી ગયા હતા. જેએનયુના વિવાદાસ્પદ દેશવિરોધી નારાબાજી મામલામાં જેએનયુના વિદ્યાર્થી લીડર કનૈયાકુમાર, ઉંમર ખાલીદ જેવા આરોપીઓની સામે કાર્યવાહીને દિલ્હી સરકારની મંજુરી નહીં આપવાની બાબતનો ગિરીરાજે ઉલ્લેખ કર્યો હતો. ગિરીરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, શરજીલ ઇમામની તો ધરપકડ કરી લેવામાં આવી છે. અમિત શાહે આ કામ કરી બતાવ્યું છે.

          ટુકડે ટુકડે ગેંગ દેશને તોડવાનું કામ કરી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી દોષિતોની ફાઇલો દબાવીને બેઠેલી છે. કેન્દ્રીયમંત્રી અમિત શાહને પ્રશ્ન કરતા કેજરીવાલે કહ્યું હતું કે, સર્જિલની ધરપકડ હજુ સુધી કેમ કરવામાં આવી નથી. આના જવાબમાં ગિરીરાજ સિંહે આજે આ પ્રતિક્રિયા આપી હતી. શરજીલની ધરપકડ બાદ એએપીને પીછેહઠનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ મામલો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જોરદારરીતે ચમકે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીને લઇને સામ સામે આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે શરજીલને લઇને પણ રાજકીય ઘમસાણ તીવ્ર બની શકે છે. શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન શરજીલે આસામને દેશથી અલગ કરવા અને ટુકડે ટુકડે કરવાની વાત કરી હતી.

(7:33 pm IST)