Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પ્રી-પેઇડ ગ્રાહકો માટે વીજ રેટ ઘટાડવા કેન્દ્રનો આદેશ

વીજ મંત્રાલયે નોટિફિકેશન જારી કરી દરેક રાજયને જરૂરી પગલા લેવા જણાવ્યું

નવી દિલ્હી, તા. ર૮ : પ્રી-પેઇડ ગ્રાહકો માટે વીજળી સસ્તી થઇ શકે છે. વીજ મંત્રાલયે રાજયોને જણાવ્યું છે કે, તેઓ પોત પોતાના વીજ નિયામકોને પ્રી-પેઇડ વીજળી ગ્રાહકો માટે રેટ ઘટાડવા જણાવે. વીજ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રી-પેઇડ મીટરથી વીજ વિતરણ કંપનીઓને મીટર રીડીંગ, બિલ અને કલેકશન જેવા વધારાના ખર્ચ કરવા પડતાં નથી.

સરકારે ૧ એપ્રિલ, ર૦૧૯થી ત્રણ વર્ષની અંદર તમામ મીટરોને સ્માર્ટ પ્રી-પેઇડ મીટરોમાં તબદિલ કરવાની યોજના તૈયાર કરી છે. વીજ મંત્રાલયે પોતાના આદેશમાં જણાવ્યું છે કે રાજય પોતાના વીજ નિયામક આયોગ દ્વારા એવા ગ્રાહકો માટે વીજળીના રિટેલ ચાર્જમાં ઘટાડો કરવાનું જણાવી શકે, જેઓ પહેલેથી પ્રી-પેઇડ મીટર દ્વારા વીજળીનો વપરાશ કરી રહ્યા છે.

આદેશમાં જણાવાયું છે કે પ્રી-પેઇડ કરીને જો કોઇ એકમ કે કંપની વીજ વપરાશ કરતી હોય તો તેમના માટે વીજળીના ખર્ચમાં ઘટાડો કરવા સંબંધિત રેગ્યુલેશન અથવા આદેશ અથવા વ્યવસ્થામાં જરૂરી ફેરફાર આ આદેશ જારી થયાના છ મહિનાની અંદર કરવાનો રહેશે.

(3:59 pm IST)