Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કોંગ્રેસનું સુકાન ફરી રાહુલના હાથમાં આવશે

કોંગ્રેસમાં તૈયારી થઇ રહી છેઃ માર્ચ કે એપ્રિલમાં તાજપોશી

નવી દિલ્હી, તા.૨૮: કોંગ્રેસની કમાન ફરી એક વખત રાહુલ ગાંધીના હાથમાં સોંપવામાં આવે તેવી શકયતા છે. માર્ચના અંત અથવા કે એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસ દ્વારા જયપુરની રેલી બાદ દેશના સૌથી મોટા રાજયોમાં રેલીનું આયોજન કરવામાં આવશે. રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મુખ્ય ચેલેન્જર તરીકે સ્થાપિત કરવાનો હેતુ છે.

દિલ્હીની ચૂંટણી બાદ જ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સોંપવાનો કોંગ્રેસ દ્વારા પ્લાન તૈયાર કરાયો હતો. ત્યારે હવે કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં માર્ચ-એપ્રિલમાં રાહુલ ગાંધીને ફરી એક વખત અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો કે એક વર્ગ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષપદે જોવા માગે છે. જયારે સોનિયા ગાંધીની પહેલી પસંદ રાહુલ ગાંધી છે. હવે રાહુલને પાછા લાવવાની શરૂઆતમાં બ્રાડિંગ શરૂ કરવામાં આવ્યું છે.

રેલીઓ દરમિયાન રાહુલનું મુખ્ય ફોકસ વધતી બેરોજગારી, અર્થતંત્રમાં મંદી, ખેતી સંકટ, બંધારણીય મૂલ્યોની રક્ષા, નાગરિકતા કાયદો અને સાંપ્રદાયિકતા અંગે મોદી સરકારને દ્યેરવા પર રહેશે. રાહુલ બિહાર અને પ.બંગાળ જેવાં ચૂંટણીવાળાં રાજયોમાં પણ આવી રેલીઓ કરશે. પહેલાં દિલ્હી ચૂંટણીના અમુક દિવસ પછી જ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની યોજના હતી પણ તેમાં ફેરફાર કરાયો છે. સીધી કાર્યસમિતિની બેઠક કે અધિવેશન બોલાવી ફરીવાર અધ્યક્ષ બનાવવાને બદલે પાર્ટીના રણનીતિકાર તેમને ફરીવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવા ઈચ્છે છે. એક વર્ગ પ્રિયંકા ગાંધીને કમાન સોંપવા માગે છે પણ હાલ સોનિયા ગાંધીની પહેલી પસંદ રાહુલ છે.

રાહુલના ફરી વારના પ્રમુખ પદની સ્વીકૃતિની તારીખની કોઈ તારીખ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બજેટ સત્ર પછીના નવા પ્રમુખની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. રાજયોમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષો માટેની ચૂંટણીઓ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાહુલની જયપુર રેલી સફળ બનાવવા માટે પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ ઉપરાંત અશોક ગેહલોત પણ સક્રિય છે. પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ વગેરે રાજયોમાં પણ આ પ્રકારની રેલીઓ કરવામાં આવશે.

(3:25 pm IST)