Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ પંજાબમાં નોંધાયો : દર્દી આઇસોલેશનમાં દાખલ

દિલ્હી અને કેરળમાં પણ કેટલાક લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા

ચંદીગઢ તા. ૨૮ : ચીનના વુહાન શહેરમાંથી આવેલા જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ હોવાની આશંકાએ ફફડાટ ફેલાયો છે. મોહાલીના એક ૨૮ વર્ષીય રહેવાસીને કોરોના વારયલ જેવા લક્ષણો જણાતા તેમને અહીંની પીજીઆઈએમઈઆર હોસ્પિટલમાં આઈસોલેશન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ દેશનો પ્રથમ કોરોનાનો શંકાસ્પદ કેસ પંજાબ-હરિયાણામાંથી જોવા મળ્યો હોવાની આશંકા છે. 

હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા દર્દી મૂળ ઉત્ત્।ર પ્રદેશના છે અને પંજાબના મોહાલીમાં હાલ રહે છે. દર્દી ગત સપ્તાહે જ ચીનથી પરત આવ્યા હોવાથી તેમનામાં કોરોના વાયરલના લક્ષણો જોવા મળ્યા હોવાની વકી છે. પંજાબના ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડો. ગગનદીપ સિંહે જણાવ્યું કે, દર્દીએ તાવ તેમજ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી.

દર્દીએ પોતે વ્યવસાયે બેન્કર હોવાનું જણાવ્યું છે તેમજ તે સ્વયં પોસ્ટ ગ્રેજયુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ખાતે સારવાર લેવા પહોંચ્યા હતા. દર્દીના હાલ આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેના સેમ્પલને પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલની તપાસ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીમાં ત્રણ અને કેરળમાં પાંચ દર્દીઓ આઈસોલેશનમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં ચીનથી પરત ફર્યા હોય અને તાવ, શરદી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરતા દર્દીઓને વિશેષ વોર્ડમાં રાખીને તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

કોરોના વાયરસે ચીનમાં તબાહી મચાવતા અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોનો ભોગ લીધો છે. આ તાવમાં પટકાયેલા વાયરસગ્રસ્ત દર્દીના લક્ષણોમાં સાધારણ ઢાઢ લાગવી, શ્વાસ લેવામાં તકલીફ થવી તેમજ નાકમાંથી પાણી પડવું વગેરે જોવા મળે છે. એક અંદાજ મુજબ ચીનમાં ૨,૭૦૦થી વધુ લોકો આ ચેપી વાયરસથી પ્રભાવિત થયા છે અને અગાઉ આવો વાયરલ કયારેય કોઈ સ્થળે જોવા મળ્યો નથી.

(3:18 pm IST)