Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જયપુરમાં રાહુલની યુવા આક્રોશ રેલીઃ કેન્દ્ર ઉપર બેરોજગારી- મોંઘવારી- મંદી- જીડીપી મુદ્દે તડાપીટ

ભાજપ સરકારની ખોટી આર્થીક નિતીથી ઉદ્યોગ- ધંધા ઠપ્પઃ બેરોજગારીનો દર ૪૫ વર્ષની ટોચેઃ સચિન પાયલોટઃ જયપુર ખાતેની યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનું ૪૦ ફુટનું કટ આઉટ મુકાયુ

જયપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે જયપુર ખાતે આર્લ્બટ હોલમાં યુવા આક્રોશ રેલીનો સંબોધન કરનાર છે. રાહુલ અહીં બેરોજગારી, મોંઘવારી અને આર્થીક મંદીને લઈને કેન્દ્રને ઘેરશે. રેલીમાં યુવાઓ ઉપર જ ફોકસ રહેશે. યુથ કોંગ્રેસના કાર્યકર્તા એનઆરયુ (નેશનલ રજીસ્ટર ઓફ અનએપ્લોયમેન્ટ) રાહુલ સમક્ષ લોન્ચ કરશે. આ સીવાય રાહુલ સીએએ, એનઆરસી અને એનપીઆરના મુદ્દે પણ વાત કરનાર છે.

રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટે જણાવેલ કે યુવા આક્રોશ રેલીમાં બેરોજગારી, આર્થીક સંકટ, જીડીપી અને આકાશને આંબતી મોંઘવારી ઉપર જોર રહેશે. કેન્દ્ર આ બધા મુદ્દાઓ ઉપરથી ધ્યાન હટાવવામાં લાગી છે. ભાજપ સરકારની ખોટી આર્થીક નીતિઓના લીધે દેશના ઉદ્યોગ- ધંધા પૂરી રીતે ઠપ્પ થયા છે અને કરોડો લોકોની રોજગારી છીનવાઈ છે.

પાયલોટે વધુમાં જણાવેલ કે સરકાર રોજગારને લઈને કોઈપણ સમાધાન કાઢી શકેલ નથી. જેના લીધે આજે બેરોજગારીનો દર ૪૫ વર્ષોમાં સૌથી  વધુ છે. દેશના યુવા વર્ગને દર વર્ષે બે કરોડ નોકરીઓનું સપનુ દેખાડનાર ભાજપ સરકારની જનવિરોધી નિતીઓને કારણે મુખ્ય સાત સેકટરોમાં ૫ વર્ષમાં ૩.૬૪ કરોડ લોકો બેરોજગાર થયા છે.

(11:35 am IST)