Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સરકાર માટે રાહતના સમાચાર

જાન્યુઆરીનું GST કલેકશન ૧.૧પ લાખ કરોડ થશે !

રેકોર્ડબ્રેક કલેકશનની સંભાવના

નવી દિલ્હી, તા. ર૮ : જીએસટી કલેકશન જાન્યુઆરીમાં રેકોર્ડ તોડીને ૧.૧પ લાખ કરોડ પહોંચી શકે છે. જયારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ૧૦ મહિનાનું ટોટલ કલેકશન ગયા વર્ષના એજ સમયગાળા કરતા ૧૧ હજાર કરોડ ઓછું રહેવાની શકયતા. એવું આ બાબતની માહિતી ધરાવતા બે સરકારી અધિકારીઓએ કહ્યું હતું  અર્થ વ્યવસ્થામાં મંદી હોવા છતાં ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેક્ષની ગાડી પાટા પર ચડી રહી છે તેનું મુખ્ય કારણ ટેક્ષ વિભાગની કાર્યક્ષમ કામગીરી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

બેમાંથી એક અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીનું ટેક્ષ કલેકશન સુધારેલ ૧.૧પ લાખ કરોડે પહોંચી શકે તેમ છે. જીએસટીનું એક જ મહિનામાં સૌથી વધુ કલેકશન અત્યાર સુધીમાં એપ્રિલ-ર૦૧૯માં ૧.૧૩ લાખ કરોડ થયું હતું. ગયા મહીને આ આંકડો ૧.૦૩ લાખ કરોડ હતો.

બીજા અધિકારીએ કહ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં એક ઉચ્ચ કક્ષાની મીટીંગમાં રેવન્યુ વિભાગ જીએસટી કલેકશનનું લક્ષ્ય જાન્યુઆરી અને ફેબ્રુઆરી ર૦ર૦ માટે વધારીને ૧.૧પ લાખ કરોડ અને માર્ચ માટે ૧.રપ લાખ કર્યું હતું. નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં બોગસ ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ ઉપર બરાબર ધ્યાન રાખવામાં આવશે.

 

(10:44 am IST)