Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મારૂતીની કાર થઇ મોંઘી

રૂ.૧૦,૦૦૦ સુધીનો ભાવ વધારો

નવી દિલ્હી, તા.૨૮: ભારતની સૌથી મોટી કાર મેન્યુફેકચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સિલેકટેડ મોડલ્સની કિંમત વધારવાનો નિર્ણય લઈ લીધો છે. કંપનીએ કહ્યું કે, કાર્સની નવી કિંમત ૨૭ જાન્યુઆરી, ૨૦૨૦ (સોમવાર)થી લાગુ થઈ ગઈ છે. કંપની તરફથી કાર્સની કિંમતમાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

માર્કેટ લીડરે કહ્યું છે કે, ઈનપુટ કોસ્ટમાં સતત વધારાને પગલે કાર્સની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, અલગ-અલગ મોડલ્સના હિસાબે કાર્સની કિંમત (એકસ-શોરૂમ દિલ્હી) ૦થી લઈને ૪.૭ ટકા સુધી વધારવામાં આવી છે. મારુતિ સુઝુકીએ એવી પણ જાહેરાત કરી છે કે, Alto BS-VI-S-CNGનું લોન્ચિંગ ભારતમાં સોમવારે થશે.

અલ્ટો મોડલના દામમાં ૬,૦૦૦ થી ૯,૦૦૦ રૂપિયા, એસ પ્રેસોની કિંમતમાં ૧,૫૦૦ થી ૮,૦૦૦ રૂપિયા, વેગન આરમાં ૧,૫૦૦થી ૪,૫૦૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. કંપનીએ અર્ટિગની કિંમતમાં પણ ૪,૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા, બલેનોની કિંમતમાં ૩,૦૦૦થી ૮,૦૦૦ રૂપિયા અને એકસએલ૬ની કિંમતમાં ૫,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. વધારેલી આ બધી કિંમતો દિલ્હી (એકસ શોરૂમ)ની છે.

Alto BS-VI S-CNGની કિંમત (એકસ શોરૂમ દિલ્હી)માં ૪,૩૨,૭૦૦ રૂપિયા રાખવામાં આવી છે. મારુતિએ કહ્યું છે કે, વધતી પડતર કિંમતની ભરપાઈ માટે તે આ કાર્સની કિંમતમાં વધારો કરી રહી છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ ઈનપુટની પડતરમાં વધારાના કારણે કંપનીની કાર્સની પડતર પર પ્રતિકૂળ અસર પડી છે. મારુતિના પોર્ટફોલિયોમાં કુલ ૧૬ કાર્સ છે. તેમાં એન્ટ્રી લેવલની અલ્ટોથી લઈને પ્રીમિયમ એમપીવી XL6 સુધીની કાર્સ સામેલ છે. આ કાર્સની કિંમત ૨.૮૯ લાખથી ૧૧.૪૬ લાખ રૂપિયાની વચ્ચે છે.

મારુતિ પોતાની કાર્સને બ ડીલરશિપ- અરીના અને નેકસાથી વેચે છે. નેકસા કંપનીની પ્રીમિયમ ડીલરશિપ છે, જેમાં ઈગ્નિસ, બલેનો, સિયાઝ, એસ-ક્રોસ અને એકસએલ૬ વેચવામાં આવે છે. તો, અરીના ડીલરશિપથી કંપની અલ્ટો, અલ્ટો કે૧૦, સિલેરિયો, સિલેરિયો એકસ, વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર, એસ-પ્રેસો, બ્રેઝા, અર્ટિગા અને ઈકો વાન વેચે છે.

(10:35 am IST)